તળાજા તાલુકાના ઝાંઝમેર બીચ પર ’આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું
ઇન્ડિયન કૉસ્ટગાર્ડ સ્ટેશન, પીપાવાવ દ્રારા “આઝાદી કા અમૃત મહોત્સવ “અંતર્ગત તળાજા તાલુકા ખાતે ઝાઝમેર બીચ પર આંતરરાષ્ટ્રીય ’દરિયાકિનારાની સફાઇનું અભિયાન ભાવનગરના મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું હતું.
ઉલ્લેખનીય છે કે, ’આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ’સ્વચ્છ સાગર,સુરક્ષિત સાગર’ અભિયાન દેશના ૭૫ દરિયાકિનારા પર આજે હાથ ધરવામાં આવ્યું હતું. તે અંતર્ગત આ સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
દર વર્ષે સપ્ટેમ્બર માસના તૃતીય શનિવારે “આંતરરાષ્ટ્રીય કોસ્ટલ કલીનઅપ ડે” વૈશ્વિક સ્તરે મનાવવામાં આવે છે.
આ તકે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતના ૭,૫૦૦ કિમી લાંબા અને અદભૂત દરિયાકિનારાના ૭૫ બીચ તેમજ દરિયાકિનારો સ્વચ્છ રહે તથા પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાઈ તે હેતુથી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગો તથા અન્ય સામાજિક સંસ્થાઓના સહયોગથી સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
દેશ આઝાદીની ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે હાલમાં વૈશ્વિક ગતિવિધિઓ જોતાં પર્યાવરણ અંગે જાગૃતિ કેળવવી અત્યંત આવશ્યક છે. દેશની દરિયાઈ સુરક્ષાની મહામૂલી જવાબદારી ભારતીય તટરક્ષક દળની છે. તથા આપણી આવનારી પેઢી વ્યશનથી મુક્ત રહે અને આપણે સૌ પર્યાવરણને નુકશાની ના પહોંચાડ્યે તે જરૂરી છે.
વડાપ્રધાનશ્રી દ્વારા દેશ અને દુનિયાને સ્વચ્છતા સંદેશો પૂરો પાડ્યો છે. આપણે પર્યાવરણને સુરક્ષિત રાખવું તથા સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવીશું તો આવનારી પેઢીને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડી શકાશે.
મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયાએ જીવસૃષ્ટિ તેમજ પર્યાવરણને સુરક્ષિત અને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે તેમ કહ્યું હતું. વડાપ્રધાનશ્રી જે રીતે દેશને સ્વચ્છ રાખવાની હાકલ કરી છે તે રીતે ભાવનગર સાથે ભાવનગરના દરિયાકિનારાને પણ સ્વચ્છ રાખવો તે આપણી નૈતિક જવાબદારી છે.
આ સફાઇ અભિયાનમાં તેમની સાથે તળાજાના પ્રાંત અધિકારીશ્રી વિકાસ રાતડા, ઇન્ડિયન કૉસ્ટગાર્ડ સ્ટેશન, પીપાવાવના અધિકારીઓ અને કર્મચારીઓ તથા સ્વયંસેવી સંસ્થાના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments