તળાજા તાલુકાના દાંત્રડ ગામે મોરારીબાપુની ઉપસ્થિતિમાં વિષ્ણુ મંડપ તેમજ સાધુ મિલનનો કાર્યક્રમ યોજાય ગયો
પૂ.મોરારીબાપુ તેમજ સાધુ સંતો ની હાજરીમાં તળાજા તાલુકાના દાંત્રડ ગામે વિષ્ણુ મંડપ તેમજ સાધુ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. અહીંનાશ્રી શિલદાસજી હરિયાણી તેમજ પરિવારના સમાધિસ્થ આત્માના કલ્યાણ અર્થે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, અગ્રણીઓ, ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ પૂ. મોરારિબાપુએ સાધુ શબ્દ પર ઉદબોધન કરતાં કહ્યું હતું કે, સાધુ કોઈ જ્ઞાતિ વાચક શબ્દ નથી, ચાર વર્ણમાં સાધુ ન આવે પણ ગમે તે વર્ણમાંથી સાધુ થઈ શકે…. રામચરિત માનસમાં તુલસીએ ભગવાન રામને સાધુ કહ્યા છે, ભરતજી ને પણ સાધુ કહ્યા છે..! અરણ્યકાંડના સમાપનમાં નારદજીએ ભગવાન રામને પૂછ્યું કે મને સાધુનો મહિમા કહો…
ત્યારે ભગવાન રામે કહ્યું કે ” શેષ સરસ્વતી સદાકાળ લખ્યા કરે તો પણ સાધુનો મહિમા ન ગાય શકે”. આ સાધુ સભામાં મોરારીબાપુએ રામાયણ ના અનુસંધાને વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ વૃક્ષનું મૂળ ન દેખાય માત્ર તેનું ફળ જ દેખાય સાધુઓનું મૂળ વેરાગ્ય છે…સાધુ સમાજને ટકોર કરતાં જણાવ્યું કે “ઘરમાં દરરોજ રામાયણના પાઠ તેમજ ગીતાજીના પાઠ થવા જ જોઈએ”.આ વિષ્ણુ મંડપ- સંત મિલન કાર્યક્રમમાં મહામંડલેશ્વર પૂ. રમજુબાપુ,જુનાગઢ થાણાપતી લહેરગીરીબાપુ, કથાકાર મહાવીરદાસબાપુ અગ્રાવત તેમજ સંતો,સાધુ સમાજના અગ્રણીઓ રાજકીય આગેવાનો ,ગામજનોની બહોળી ઉપસ્થિતિ રહી હતી. અહીં વિષ્ણુ સ્તંભ પૂજન, સુંદરકાંડના પાઠ, સંતોના સામૈયા અને સાધુ સભા સાથે મંડપની મહા આરતી અને મહાપ્રસાદ ભોજન વગેરે કાર્યક્રમોનું આયોજન થયું હતું. રાત્રિના સંતવાણી કાર્યક્રમ પણ યોજાયો હતો.
Recent Comments