બોલિવૂડ

‘તારક મહેતા..’ ફૅમ ભવ્ય ગાંધીએ પપ્પા સાથેની જૂની તસવીર કરી શૅર, કહ્યું- ‘હીરો’

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો જૂનો ટપુ એટલે કે ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું ૧૧ મેના રોજ કોરોનાને કારણે અવસાન થયું હતું. ભવ્ય ગાંધીએ હાલમાં પિતાને યાદ કરતી એક પોસ્ટ શૅર કરી હતી. તેણે પિતાને ‘હીરો’ કહ્યા હતા. આ પહેલાં ભવ્ય ગાંધીએ પિતા અંગે ઈમોશનલ નોટ શૅર કરી હતી.


આ પોસ્ટ પર સો.મીડિયા યુઝર્સ તથા ભવ્ય ગાંધીના મિત્રોએ કમેન્ટ્‌સ કરી હતી. યુઝર્સે કહ્યું, પિતા હંમેશાં હીરો જ હોય છે. તો અન્ય એકે કહ્યું, સાચો હીરો અને હંમેશાં બધાને પ્રેમ કરે છે અને હંમેશાં યાદ આવશે.
ભવ્ય ગાંધીએ પિતાની એક તસવીર શૅર કરીને ઇમોશનલ પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું, ‘મારા પિતાને ૯ એપ્રિલના રોજ કોરોના થયો હતો. કોરોના થયો ત્યારથી તેઓ ડૉક્ટર્સની દેખરેખ હેઠળ હતા અને યોગ્ય રીતે દવા લેતા હતા. તેઓ કોવિડ-૧૯ની સામે રાજાની જેમ લડ્યા, પરંતુ કોરોનાએ તેમને હરાવી દીધા અને અંતે તેમણે દમ તોડી દીધો.’


ભવ્યે કહ્યું, ‘મારા જીવનમાં જેપણ કંઈ સારું થયું હતું, જે બની રહ્યું છે અને જે બનશે એ માત્ર તેમના કારણે જ શક્ય બનશે. કોવિડ નહોતો ત્યારે પણ અને કોવિડ હતો ત્યારે પણ. તેઓ ઘણી જ કાળજી રાખતા હોવા છતાંય તેમને કોરોના થયો.’
ભવ્યે અપીલ કરતાં કહ્યું, ‘હું તમામને વિનંતી કરું છું કે વેક્સિન લો અને બીજી કોઈ વાત પર વિશ્વાસ ના કરો. આ જીવલેણ વાયરસ સામે બચવાનો આ એકમાત્ર રસ્તો છે.’


ભવ્ય ગાંધીએ કહ્યું, ‘મારા પિતા જે પણ હોસ્પિટલમાં રહ્યા ત્યાંના તમામ ડૉક્ટર્સ, નર્સ તથા તમામ સ્ટાફનો આભાર. સોનુ સૂદ સર, રાકેશ કોઠારી, નરેન્દ્ર હિરાણી, પિનાકિન શાહ, ધર્પેશ છજેદનો તમામ વસ્તુઓ મેનેજ કરી આપવા બદલ આભાર. અમારા પરિવાર, મિત્રો, સગાંસંબંધીઓનો આભાર, જેમણે આ મુશ્કેલ સમયમાં અમને સાથ આપ્યો. તમારા આશીર્વાદ તથા પ્રાર્થના માટે આભાર.’
ભવ્ય ગાંધીએ કહ્યું, ‘મને ખ્યાલ છે કે તમે જ્યાં પણ હશો પપ્પા ખુશ હશો. પપ્પા તમે જે પણ શીખવ્યું એ તમામ માટે તમારો આભાર. હું તમને ઘણો જ પ્રેમ કરું છું.’

Related Posts