fbpx
ગુજરાત

તારાપુરમાં ટ્રક પલટી જતાં ટાઇલ્સ નીચે દબાતાં ત્રણના મોત, આઠ ગંભીર રીતે ઘવાયા

આણંદના તારાપુરમાં ટાઇલ્સ ભરી પુરપાટ ઝડપે જતી ટ્રક અચાનક માર્ગ પર જ પલટી ગઇ હતી. જેના કારણે રસ્તો ક્રોસ કરી રહેલા એક જ પરિવારના દસેક સભ્યો ટાઇલ્સ નીચે દબાઇ ગયાં હતાં. જેમાં ત્રણના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. જ્યારે આઠ જેટલી વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આણંદ જિલ્લામાંથી પસાર થતા વાસદ બગોદરા હાઈવે પર અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા કરે છે. તારાપુર ચોકડી પાસે સવારે મોરબીથી ટાઇલ્સ ભરેલી ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા તે પલટી ગઇ હતી. જેના કારણે રસ્તો ક્રોસ કરવા ઉભેલા આઠથી દસ વ્યક્તિ તેની નીચે દબાઇ ગયાં હતાં. જેમાં ત્રણના મોત નિપજ્યાં હતાં. વ્હેલી સવારે બનેલા આ બનાવના પગલે ઘાયલોની ચિચિયારીથી હાઈવે ગુંજી ઉઠ્‌યો હતો. આથી, આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને બધાને બહાર કાઢી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યાં હતાં. આ ઘટનાના પગલે તારાપુર પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.

પ્રાથમિક તપાસમાં સુરત સ્થાયી થયેલા અને રાજુલા વતની એક જ પરિવારના સભ્યો દિવાળીના વેકેશનમાં વતન ગયાં હતાં. જ્યાં તેઓ પરત સુરત જવા નિકળ્યાં હતાં. તારાપુર પાસે સીએનજી પુરવા માટે તેમનું વાહન ઉભુ હતું. આ સમયે રસ્તાની સામેની બાજુ આવેલી હોટલમાં તેઓ ચા પીવા ઉતર્યાં હતાં અને રસ્તો ક્રોસ કરવા જઇ રહ્યાં હતાં. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. આ અંગે સ્થાનિકોના જણાવ્યાનુસાર, મોરબી તરફથી આવતી ટાઇલ્સ ભરેલી ટ્રક હાઈવે પરથી પસાર થઈ રહી હતી. તે દરમ્યાન તારાપુર મોટી ચોકડી પાસે ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ભારે વજન ભરેલી ટ્રક રોડની સાઈડમાં ચા પીવા માટે ઉભેલા લોકો પર યમરાજ બનીને ત્રાટકી હતી.

જેમાં એક સાથે ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ૮ જેટલા લોકોને વધતાં ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં મોતને ભેટેલા બે બાળકો અને એક વૃદ્ધ પુરુષ એકજ પરિવારના સભ્યો હતાં. આ પરિવાર મૂળ અમરેલીના રાજુલાના વતની હતો. જે ધંધા રોજગાર અર્થે સુરત સ્થાઈ થયેલા હતા. જે દિવાળીનો તહેવાર વતનમાં ઉજવીને સુરત પરત ફરતા હતા અને તારાપુર ચોકડી પાસે ચા પીવા માટે ઊભા રહ્યા અને આ ગોઝારી ઘટના બની હતી. જેમાં એકજ પરિવારના ત્રણ વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ અંગે ગુનો નોંધવવાની તજવીજ હાથ ધરી છે.

Follow Me:

Related Posts