તાલુકા અને જિલ્લા કચેરીઓમાં મળતી સરકારી સેવાઓ ઘર આંગણે મળી
રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકોને સતત મળે, વહીવટી પારદર્શિતામાં ઉમેરો થાય અને નાગરિકોને તેમના વસવાટ-રહેઠાણ નજીકના વિસ્તારમાં સેવાઓનો લાભ પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર દ્વારા સેવા સેતુના ૧૦માં તબક્કાની શરુઆત કરવામાં આવી છે.આ કડીના ભાગરુપે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ પ્રકારની ૫૫ સેવાઓ એક છત નીચે આપવામાં આવી હતી.
આ કાર્યક્રમની મુલાકાતે આવેલા જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ કાર્યક્રમના સ્થળે વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરી અને સ્થળ પર ઉપસ્થિત કર્મયોગીઓને જરુરી માર્ગદર્શન આપ્યુ હતુ. કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રીએ વિવિધ વિભાગોની સેવાઓની કામગીરીનું નિરીક્ષણ કરી અને જરુરી વિગતો મેળવી હતી. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યની તપાસણી કરી અને લાભાર્થીઓને જરુરી દવાઓ આપવામાં આવી હતી.આ કાર્યક્રમાં ઝરખીયા ગામના રહેવાસી શ્રી જયંતિભાઈ આસોદરિયાએ આધાર કાર્ડ લિંક કરાવવાની કામગીરીની સેવાઓ મેળવી હતી. તેમણે કહ્યુ કે, આજે અમારા ગામમાં યોજાયેલા કાર્યક્રમ દ્વારા મારા આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી સંપન્ન થઈ છે. તાલુકા અને જિલ્લા કક્ષાએ મળતી સેવા ઘર આંગણે મળી છે. આ કાર્યક્રમ દ્વારા ૧૭ ગામના લાભાર્થીઓ લાભાન્વિત થયા છે, રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર.
સેવા સેતુ કાર્યક્રમમાં આપવામાં આવતી સેવાઓ પૈકીની વિવિધ દસ્તાવેજોમાં નામ ઉમેરવાની અને સુધારા કરવાની સેવાઓ પૈકીની રેશનકાર્ડની સેવાનો લાભ માલવીયા પીપળીયા ગામના રહેવાસી પ્રભાબેન ગમારાને મળ્યો. તેમણે જણાવ્યું કે, મારા પુત્રનું નામ રેશન કાર્ડમાં ઉમેરવાનું હતું, આજે ઝરખીયા ગામે આ કામ થયું છે. લાઠી કે અમરેલી સુધી જવું ન પડ્યું. કાર્યક્રમમાં લાઠી પ્રાંત અધિકારીશ્રી, લાઠી તાલુકા મામલતદારશ્રી, વિવિધ કચેરીઓના કર્મયોગીઓ, શિક્ષકો અને લાભ મેળવનારા વિવિધ ગામના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments