અમરેલી

તા.૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ એ રાષ્ટ્રીય ચૂંટણી પંચ સ્થાપના દિવસઃ સમગ્ર દેશમાં‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ઉજવવામાં આવે છે

શું તમને ખબર છે ? કે ભારતમાં ચૂંટણીપંચની સ્થાપના કયારે કરવામાં આવી હતી ? કયા કારણોસર સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે ? રાષ્ટ્રીય ચૂંટણીપંચની કામગીરી શું છે ? વર્ષ-૨૦૧૧થી દર વર્ષે સમગ્ર રાષ્ટ્રમાં વિશેષ થીમ અંતર્ગત ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. તા.૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ભારતમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભાઓની ચૂંટણીના પારદર્શક આયોજન અને સંચાલન માટે કેન્દ્રીય ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી, જે એક બંધારણીય સંસ્થા છે. તા.૨૫ જાન્યુઆરી, ૨૦૨૪ના દિવસે ૧૪મો રાષ્ટ્રીય મતદાતા દિવસ “Nothing like voting, I vote for sure” થીમ પર ઉજવવામાં આવશે. આ દિવસની ઉજવણી પાછળ દેશના નવા યુવા મતદાતાઓને પોતાના કિંમતી મૌલિક અધિકાર સ્વરુપ મતદાર બનવા માટે પ્રેરિત કરવા ઉપરાંત ચૂંટણી પ્રક્રિયામાં યુવાઓની ભાગીદારી વધારવાનો હેતુ છે. ઉપરાંત દેશના નાગરિકોમાં મતદાનને લઈને જાગૃત્તિ વધારવાનો પણ હેતુ છે.

     ગુજરાત રાજયમાં ચૂંટણી પંચની સૂચનાનુસાર રાજ્યભરમાં તા.૨૭ ઑક્ટોબર, ૨૦૨૩થી તા.૦૯ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. તા.૨૭ ઑક્ટોબર, ૨૦૨૩ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદીની વિગતો મુજબ રાજયભરમાં, ૨,૫૧,૫૪,૯૦૦ પુરુષ, ૨,૩૬,૦૩,૩૮૨ સ્ત્રી અને ત્રીજી જાતિના ૧,૪૨૭ મળી કુલ ૪,૮૭,૫૯,૭૦૯ મતદારો નોંધાયા છે.

     મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ પૂર્ણ થતાં, તા.૦૫ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. તે દિવસે ૨,૫૪,૬૯,૭૨૩ પુરૂષ, ૨,૩૯,૭૮,૨૪૩ સ્ત્રી તથા ૧,૫૦૩ ત્રીજી જાતિના મળી કુલ ૪,૯૪,૪૯,૪૬૯ મતદારો નોંધાયા છે. રાજયભરમાં ૬,૮૯,૭૬૦ નવા મતદારોનો ઉમેરો થયો છે.

     મહત્વનું છે કે, આખરી મતદારયાદીમાં અમરેલી જિલ્લાના કુલ ૧૨,૫૮,૩૫૮ મતદારો નોંધાયા છે.

     ભારતના બંધારણમાં ભાગ ૧૫માં રાષ્ટ્રીય ચૂંટણીપંચનો ઉલ્લેખ બંધારણીય સંસ્થા તરીકે છે. બંધારણના અનુચ્છેદ ૩૨૪-૩૨૯ ચૂંટણીપંચની કાર્યપ્રણાલી, જવાબદારીઓ અને સત્તા સંદર્ભે સામેલ છે. આ સાથે ભારતના ચૂંટણીપંચમાં એક મુખ્ય ચૂંટણી કમિશ્નર ઉપરાંત અન્ય ચૂંટણી કમિશ્નરોની નિમણુક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ભારતના ચૂંટણી કમિશ્નરનો કાર્યકાળ ૬ વર્ષ અથવા તો ૬૫ વર્ષની ઉંમર થાય ત્યાં સુધીનો હોય છે. તેમનો દરજ્જો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સમાન હોય છે. ભારતીય ચૂંટણીપંચ પાસે વહીવટી, સલાહકારી અને અર્ધ ન્યાયિક સત્તાઓ હોય છે.

     આ સાથે ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ કરાવવાનું કાર્ય પણ ચૂંટણીપંચ દ્વારા થાય છે. ભારતમાં રાજનીતિક દળોને માન્યતા આપવાનું અને ચૂંટણી પ્રતિકોની ફાળવણીનું કાર્ય પણ ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવે છે.

     દેશમાં નવા યુવા મતદારોમાં ચૂંટણી પ્રત્યે, મતદાન અને ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે જાગૃત્તિમાં ઉમેરો થાય તે આ રાષ્ટ્રીય મતદાતા દિવસ (નેશનલ વોટર્સ ડે-૨૦૨૪) ની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ચૂંટણીપંચ દ્વારા સોશિયલ મીડિયા સહિતના પ્રચાર-પ્રસાર માધ્યમ મારફતે SVEEP એક્ટિવિટીનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. યુવાઓની ભાગીદારી ચૂંટણી પ્રક્રિયામાં વધારવાના હેતુથી ચૂંટણીપંચ દ્વારા જાગૃત્તિ અભિયાન હાથ ધરવામાં આવે છે. યુવાઓ, નાગરિકો આપણા મૌલિક અધિકાર સ્વરુપ એવા મત આપવાના અધિકાર અને ફરજ પ્રત્યે જાગૃત્ત બને, રાષ્ટ્રની લોકશાહીના સાચા નાગરિક બને અને આવનાર લોકશાહીના મહાપર્વમાં અવશ્ય મતદાન કરીને આપણી ભાગીદારી નોંધાવીએ.

Related Posts