અમરેલી

તા.૨૯ જાન્યુઆરીએ જિલ્લામાં જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા યોજાશે

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આગામી તા.૨૯ જાન્યુઆરી, ૨૩ને રવિવારના રોજ સવારે ૧૧ વાગ્યા થી બપોરે ૧૨ વાગ્યા સુધી જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા યોજાશે. જિલ્લાના ૬૪ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ અને તંદુરસ્ત માહોલમાં પારદર્શિતા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અમરેલી જિલ્લા પંચાયત કચેરી દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરુપે પરીક્ષા ફરજ પરના અધિકારી-કર્મચારીઓની અમરેલી ખાતે બે તબક્કાઓમાં તાલીમ યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનિયર ક્લાર્કની પરીક્ષા તા.૨૯ જાન્યુઆરી, ૨૩ને રવિવારના રોજ યોજાશે.

નિયત માર્ગદર્શિકા અને ભરતી પ્રક્રિયા મુજબ  ઓબ્ઝર્વર, માઈક્રો ઓબ્ઝર્વર, ફ્લાઈંગ સ્કવોડ, બોર્ડ પ્રતિનિધિ, રુટ સુપર વાઈઝર- રુટ ક્લાર્ક અને કેન્દ્ર નિયામક વગેરેની નિમણુક,તાલીમ,માહિતી અને માર્ગદર્શન સહિતની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા ચીફ કો-ઓર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ કો-ઓર્ડિનેટર જનરલ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેકમ) તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (પંચાયત) તથા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં માસ્ટર ટ્રેઈનરશ્રીઓ દ્વારા યોગ્ય રીતે પરીક્ષા યોજાઈ તે માટે સઘન ઝુંબેશના ભાગરુપે તાલીમ  યોજવામાં આવી હતી. 

Related Posts