fbpx
ભાવનગર

તુર્કી અને સીરિયાના ભૂકંપગ્રસ્તોને મોરારિબાપુ તરફથી રૂપિયા ૨૫ લાખની સહાય

ગત બે દિવસોથી તુર્કી, સીરિયા અને આસપાસના વિસ્તારોમાં થયેલા ભૂકંપના કંપાવનારા સમાચારો મળી રહ્યા છે જેનાથી વિશ્વ સ્તબ્ધ બન્યું છે. પ્રાપ્ત થઈ રહેલા અહેવાલો અનુસાર બંન્ને દેશોનો મરણાંક ૪૫૦૦ જેટલો થયો છે. ૨૦ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. એ દેશોની માલમત્તાને પણ પારાવાર નુકશાન થવા પામ્યું છે. ભારત અને આ દેશના લોકો વૈશ્વિક આપદાઓમાં સહાયરૂપ બનવામાં હંમેશા અગ્રેસર રહ્યાં છે. આ ક્રમમાં આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અને ભારત સરકારે પણ આ ઘટનામાં સહાયતા પ્રેષિત કરી છે, જે ભારતીય સંવેદનશીલતાનો પરિચય કરાવે છે.

પૂજ્ય મોરારિબાપુની હાલમાં નેપાળના લુમ્બિની ખાતે રામકથા ચાલી રહી છે. નેપાળમાં આવેલ લુમ્બિનીની આ ભૂમિ એટલે કરુણાની ભૂમિ, સંવેદનાની ભૂમિ. વિશ્વ જેમને કરુણામૂર્તિ તરીકે ઓળખે છે તેવા ભગવાન બુદ્ધના જન્મસ્થળ ખાતે ચાલી રહેલી આ રામકથા એટલે કરુણાનો ગંગ પ્રવાહ. વ્યાસપીઠની કરુણા રૂપે પૂજ્ય બાપુએ તેમની રામકથાના દેશ-વિદેશના તમામ શ્રોતાઓને સાથે રાખી તુર્કી અને સીરિયાના ભૂકંપગ્રસ્તોને રૂપિયા ૨૫ લાખની સંવેદના રાશી પ્રેષિત કરવાનું જાહેર કર્યું છે.

લંડન સ્થિત બ્રિટીશ પાર્લામેન્ટના સદસ્ય લોર્ડ શ્રી. ડોલરભાઈ પોપટ, તેમના પુત્ર શ્રી. પાવન પોપટ અને એમની ટીમ દ્વારા આ રાશી તુર્કી અને સીરિયા ના અસરગ્રસ્તોને પહોંચાડવામાં આવશે. આ દારુણ ઘટનામાં જેઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેમનાં પ્રતિ સંવેદના પ્રગટ કરી પૂજ્ય બાપુએ તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.  તેમ મહુવાથી જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts