રાષ્ટ્રીય

દક્ષિણ અને મધ્ય ગાઝામાં રાતોરાત ઇઝરાયેલના હુમલામાં ૪૮ લોકો માર્યા ગયા

દક્ષિણ અને મધ્ય ગાઝામાં રાતોરાત ઇઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા ૪૮ લોકો માર્યા ગયા, જેમાં અડધા મહિલાઓ અને બાળકો હતા. સ્વાસ્થ્ય અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. તે જ સમયે, યુરોપિયન વિદેશ પ્રધાનો અને યુએન એજન્સીઓએ માનવતાવાદી કટોકટી અને પ્રદેશમાં ભૂખમરાની સંભાવના પર વધતી ચિંતાઓ વચ્ચે યુદ્ધવિરામ માટે હાકલ કરી હતી. ઇઝરાયેલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠે પણ તણાવ વધી રહ્યો છે, જ્યાં ગુરુવારે સવારે ત્રણ પેલેસ્ટિનિયન બંદૂકધારીઓએ હાઇવે પરની ચેકપોઇન્ટ પરથી પસાર થતા વાહનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને પાંચ અન્ય ઘાયલ થયા હતા, ઇઝરાયેલી પોલીસે જણાવ્યું હતું.

આ સંબંધમાં ઇઝરાયેલના એક અધિકારીએ બુધવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરારને લઇને નવા પ્રયાસો ચાલુ છે. અધિકારીએ કહ્યું કે માત્ર કરાર જ ગાઝામાં યુદ્ધને રોકી શકે છે અને દક્ષિણ ઇઝરાયેલ પર ૭ ઓક્ટોબરના હુમલા બાદ આતંકવાદીઓ દ્વારા બંધક બનાવેલા લગભગ ૧૩૦ ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવામાં મદદ કરી શકે છે. લગભગ એક અઠવાડિયા પહેલા સમજૂતીને લઈને ચાલી રહેલી વાટાઘાટો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું, પરંતુ ઈઝરાયેલના આ નિવેદનથી યુદ્ધવિરામની નવી આશા જાગી છે. તે જ સમયે, ભૂતપૂર્વ સૈન્ય વડા અને સંરક્ષણ પ્રધાન બેની ગેન્ટ્‌ઝે તેમના સંકલ્પને પુનરોચ્ચાર કર્યો હતો કે જાે હમાસ બાકીના બંધકોને મુક્ત નહીં કરે, તો ઇઝરાયેલ ૧૦ માર્ચની આસપાસ શરૂ થતા રમઝાન મહિના દરમિયાન ગાઝાના દક્ષિણી શહેર રફાહ પર જમીન પર હુમલો કરશે.

Related Posts