fbpx
રાષ્ટ્રીય

દક્ષીણ કોરિયામાં પૂર, ૩૩ના મોત, ભૂસ્ખલનમાં ટનલ ધરાશાયી, ઘણા વાહનો પણ ફસાયા

દક્ષિણ કોરિયામાં અચાનક પૂર બાદ ભારે તબાહી સર્જાઈ છે. સતત ભારે વરસાદને પગલે ડેમ પાણીથી ભરાયો છે. ડેમના પાણી રસ્તા પર આવી ગયા છે, લોકોના ઘરમાં ઘૂસી ગયા છે. મધ્ય દક્ષિણ કોરિયામાં એક ટનલ ધરાશાયી થતાં ડઝનબંધ વાહનો ફસાયા છે. બચાવકર્મીઓએ ટનલની અંદર ફસાયેલી બસમાંથી પાંચ મૃતદેહોને બહાર કાઢ્યા છે. ઘણા લોકોને સુરક્ષિત બહાર પણ કાઢવામાં આવ્યા છે. ભારે વરસાદના દિવસો બાદ બચાવકર્તા ટનલમાં ફસાયેલા વાહનો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુરંગમાં કેટલા લોકો ફસાયા છે તે સ્પષ્ટ નથી. ચુંગચેઓંગ પ્રાંતમાં શુક્રવારે એક ધીમી ટ્રેન પણ ભૂસ્ખલનનો ભોગ બની હતી. ટ્રેનમાં કોઈ મુસાફર નહોતો. આ દુર્ઘટના બાદ તમામ ધીમી ટ્રેન અને બુલેટ ટ્રેનનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. ખરાબ હવામાનને કારણે અહીં બુલેટ ટ્રેન મોડી ચાલી રહી છે. દેશભરમાં ૯ જુલાઈથી સતત વરસાદ થઈ રહ્યો છે. પૂર આવ્યું છે. અનેક પ્રાંતો પાણીમાં ડૂબી ગયા છે. સાત હજારથી વધુ લોકોને બચાવી લેવાયા છે. ભૂસ્ખલનના કારણે ડઝનબંધ મકાનો ધરાશાયી થયા છે.

રેલવે સ્ટેશનો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે વીજળીની સમસ્યા પણ ઉભી થઈ છે. ૨૭ હજારથી વધુ લોકો વીજળી વિના જીવવા મજબૂર છે. ઓછામાં ઓછા ૧૩ પ્રાંતો અને શહેરોમાં પાવર નિષ્ફળતા છે. માત્ર સેન્ટ્રલ ગોસાણ જિલ્લામાં જ ૬૦૦૦ લોકો આખી રાત વીજળી વગર રહ્યા. દક્ષિણ કોરિયામાં શનિવારે લગભગ ૩૦૦ મીમી વરસાદ નોંધાયો હતો. કોરિયાના હવામાન વિભાગે જણાવ્યું કે દર વર્ષે ૧૦૦૦ મીમીથી ૧૮૦૦ મીમી સુધી વરસાદ પડે છે. મોટાભાગનો વરસાદ ઉનાળાની ઋતુમાં થાય છે. પૂરગ્રસ્ત વિસ્તારોની તસ્વીરોમાં વાહનો પાણીમાં ગરકાવ જાેવા મળે છે. કોરિયાના હવામાન વિભાગે આગામી સપ્તાહે બુધવાર સુધી વધુ વરસાદની આગાહી કરી છે. ચેતવણી આપવામાં આવી છે કે હવામાનની સ્થિતિ ગંભીર ખતરો પેદા કરી શકે છે. છેલ્લા પખવાડિયામાં ભારત, ચીન અને જાપાન સહિત ઘણા દેશોમાં અતિવૃષ્ટિને કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બની છે.

Follow Me:

Related Posts