દરિયાઈ ખારાશવાળી માટીના લીધે પાણીને ફ્રીજ જેવા ઠારતાં તૂણાના પ્રખ્યાત માટલા
માટલામાંથી ઠંડુ પાણી પીતી વખતે આપણે ખ્યાલ નથી હોતો કે , ઠંડક પાછળ અસહ્ય તાપમાં માત્ર માટલું જ નહિ , તેને બનાવનાર પણ શેકાતો હોય છે . કચ્છના રણમાં ખાવડા બાજુનું રણ હોય કે , દરિયા કિનારે તુણા બંદર . ખાસ પ્રકારની માટી કે જે દરિયાઈ ખારાશ માટીને મીઠી અને ઠંડી બનાવે છે . 42 ડિગ્રી તાપમાનમાં ભઠ્ઠામાં શેકાતા માટલા સાથે તેનો કુંભાર કારીગર સતત ખડે પગે એકદમ શેકાઈ જાય ત્યાં સુધી ઉભે છે . એક માટલું માટીમાંથી સંપૂર્ણ પ્રક્રિયા બાદ અંતમાં બજારમાં પહોંચે ત્યાં સુધી 32 વખત હાથમાંથી પસાર થાય છે . માટલાની ઠંડક તેમાં આવેલા છિદ્રો આધારિત છે . અનેક જગ્યાએ તળાવની માટીમાંથી કુંભારો માટલા સહિતના અનેક વાસણો બનાવે છે . પરંતુ ઠંડુ પાણી આપતા અને સ્વાસ્થ્ય માટે પણ સારા એવા માટીના માટલા માટે તુણા ના માટલા પ્રખ્યાત છે . તેનું કારણ જણાવતાં સ્થાનિક કુંભાર કહે છે કે , દરિયાઈ હવામાન , જમીન અને ખારાશ ને કારણે અહીંની માટીમાંથી બનતું માટલું વિશિષ્ટ પ્રકારની મીઠાશ અને ઠંડક આપે છે . અને એમ કહેવાય છે કે , જેમ ગ૨મી વધે તેમ પાણી ઠંડુ થાય . આ માટીમાંથી તૈયાર થયેલા માટલામાં છિદ્રો નું એક એવું બંધારણ બને છે કે , ગરમ લુ લાગે તો પણ પાણી ઠરે છે . હવે માત્ર માટલા જ નહિ એના સિવાય થાળી , વાટકા , ગ્લાસ , વોટર બેગ , પાણીનો જગ , ચાની કીટલી , કંડીલ , નાઈટ લેમ્પ વગેરે વિવિધ આઈટમ પણ બને છે અને તેનું આકર્ષણ પણ વધ્યું છે . આ અંગે પ્રકાશ પાડતા ખાવડાના અબ્દુલ ઇબ્રાહિમ કુંભાર કહે છે કે , અમારા ગામથી દસ કિલોમીટર દૂર જઈને રણની માટી લઈ આવીએ છીએ . જેમાંથી માટલા બને છે , તો ખડકાળ પ્રદેશની માટીમાંથી ચૂલા પર ચડતા વાસણો અને બીજી બધી વસ્તુઓ બને છે . પાણી માટેનું બનતું વાસણ અને જેમાં ખોરાક રાંધવાનું હોય તે બંને માટી અલગ હોય છે .
Recent Comments