fbpx
ભાવનગર

દરિયા દેવ: ભાવનગર નજીક કોળીયાક ખાતે આવેલ પૌરાણિક નિષ્કલંક મહાદેવનું મંદિર આસ્થા અને અલૌકિક આનંદનો શુભગ સમન્વય

ભારતમાં એવા તો ઘણા મંદિરો અને હિંદુ સ્થાપત્યો આવેલા છે જે પોતાની ભીતર ઘણા રહસ્યો સાચવીને બેઠા છે. દ્વારકા મંદિર હોય કે પછી ભાવનગર શહેરથી આશરે ૨૪ કિ.મી.ના અંતરે આવેલું નિષ્કલંક મહાદેવનું મંદિર હોય, બધા જ મંદિરમાં કંઈક એવી અલૌકિક ઉર્જા છે. જેનાથી એ મંદિર શ્રદ્ધાળુંઓના આકર્ષણનું કેન્દ્ર બિંદુ બની રહે છે. ભાવનગર નજીક કોળિયાકના દરિયાકાંઠે આવેલા પૌરાણિક નિષ્કલંક મહાદેવ મંદિર સાથે લાંબો અને ભવ્ય ઇતિહાસ જોડાયેલો છે. સૌરાષ્ટ્રમાં યોજાતા લોક મેળામાં ભાવનગરના કોળીયાકનો મેળો ખુબ જ જાણીતો અને પ્રવાસીઓને આકર્ષિત કરે છે. આ પરંપરાગત મેળો દર વર્ષે ભાદરવી અમાસના દિવસે ભરાય છે. આ મંદિર નિષ્કલંક મહાદેવ તરીકે કેમ ઓળખાય છે શું છે તેનો ઇતિહાસ હિંદુ ધર્મની માન્યતા અનુસાર મહાભારતના યુદ્ધ પછી પાંડવો અહીં આવ્યા હતા. તેઓએ કોળિયાક ગામના સમુદ્ર કિનારે દેવાધિદેવ મહાદેવના શિવલિંગની સ્થાપના કરીને વેદોક્ત વિધિથી ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી. જેનાથી યુધ્ધમાં કરેલી હિંસાના પરિણામે લાગેલા કલંકથી તેમને મુક્તિ મળે અને તેઓ કલંકીતમાંથી નિષ્કલંક થયા હતા. તેથી જ આ મહાદેવ નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે. પાંડવોએ સ્થાપેલી પાંચ શિવલીંગ અહીં હાલ મૌજુદ છે.

દરિયામાં ઓટના સમયે જ કરી શકાય છે શિવલિંગના દર્શન

આ શિવલિંગ સમુદ્રમાં આવેલું હોવાથી દરિયામાં ઓટ આવે તે સમયે જ તેના દર્શન કરી શકાય છે. દર વર્ષે શ્રાવણ વદ ચૌદશે તથા ભાદરવી અમાસના દિવસે અહીં પરંપરાગત લોકમેળો ભરાય છે. જેમાં દર વર્ષે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. આ દિવસે નિષ્કલંક મહાદેવના મંદિર ઉ૫૨ (બાવન) ગજની ધજા ચડાવવામાં આવે છે. તેમજ અહી મંદિરના મુહૂર્ત પ્રમાણે લાખોની સંખ્યામાં ભાવિકો અને શ્રધ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન કરીને ભગવાનના દર્શન તથા પૂજા અર્ચના કરે છે.


સમુદ્રની લહેરો નિષ્કલંક મહાદેવના પાંચેય શિવલિંગ પર કરે છે જળાભિષેક

નિષ્કલંક મહાદેવ મંદિર દરિયા વચ્ચે આવેલું છે. અહીંયા રોજ સમુદ્રની લહેરો પાંચેય શિવલિંગ પર જળાભિષેક કરે છે. ભક્તો મંદિરમાં જવા માટે દરિયામાં ઓટ આવે એની રાહ જોતા હોય છે. દરિયાનું પાણી અમુક કલાકો પૂરતું જ ઉતરતું હોય છે. એ જ સમયમાં ભક્તો નિષ્કલંક મહાદેવના મંદિરમાં જઈને દર્શન કરી ધન્યતા અનુભવે છે. સાંજે સાત વાગ્યા પછી ભરતી શરૂ થતાં મંદિર ફરી પાણીમાં ડૂબી જાય છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર મૃત્યુ પછી સ્વજનોના અસ્થિ વિસર્જન અહીં કરવાથી તે મૃતક વ્યક્તિની મોક્ષની પ્રાપ્તિ થાય છે. મંદિર પર ચડાવાયેલો ધ્વજ મંદિરના મહોત્સવના દિવસે જ બદલવામાં આવે છે
આ મંદિર પર ચડાવાયેલો ધ્વજ ૩૬૪ દિવસ સુધી યથાવત રહે છે. માત્ર મંદિરના મહોત્સવના દિવસે જ તેને બદલવામાં આવે છે. તે ધ્વજ ક્યારેય નીચે પડતો નથી કે સમુદ્રનાં મોજામાં ખેંચાઈ પણ જતો નથી. સમુદ્રની વચ્ચે આવેલા આ મંદિરની મુલાકાત ખરેખર લેવા જેવી છે.

Follow Me:

Related Posts