fbpx
ગુજરાત

દહેગામનાં પાલુન્દ્રા ગામમાં ચાલતાં જુગારધામ ઉપર પોલીસ ત્રાટકી, નવ જુગારીઓની ધરપકડ

દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામની સીમમાં આવેલા ખેતરમાં છેલ્લા ઘણા સમયથી ધમધમતા જુગારધામ પર રાત્રે દહેગામ પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને નવ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડી રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ જુગારનું સાહિત્ય મળીને કુલ રૂ ૬૧ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લઈ જુગારધામ ચલાવતા લાલસિંહ ચૌહાણ સહિત ૧૦ ઈસમો સામે ગુનો દાખલ કર્યો છે. દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામની સીમનાં ખેતરમાં બનાવેલા ઘરમાં લાલસિંહ બાબુસિંહ ચૌહાણ છેલ્લા કેટલાક સમયથી જુગાર ધામ ચલાવતો હોવાની ગંધ પીઆઈ બી બી ગોયલને ગઈ હતી. જેનાં પગલે તેમણે સ્ટાફના માણસોને પાલુન્દ્રા ગામમાં ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપી હતી. જે અન્વયે પીએસઆઇ અજયસિંહ રાજપૂત ટીમ સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે બાતમી મળી હતી કે, લાલસિંહનાં જુગાર ધામ ઉપર રાત્રે જુગારીઓ બાઝી માંડીને બેસવાના છે. બાદમાં પોલીસ ટીમ લાલસિંહ ચૌહાણના જુગાર ધામ ઉપર ત્રાટકી હતી. એ વખતે કુંડાળું વળીને જુગાર રમતા નવ ઈસમો પોલીસને જાેઇને ફફડી ઉઠયા હતા.

જેઓની પૂછતાંછ કરતાં તેઓએ પોતાના નામ પ્રવિણસિંહ અમરસિંહ ચૌહાણ,વિક્રમભાઇ વાલજીભાઇ દેસાઇ, દલપતસિંહ લાલસિહ ચૌહાણ, લાલસિંહ પ્રતાપસિહ ચૌહાણ, લક્ષ્મણસિંહ દિલસિંહ ડાભી, પ્રતાપસિહ જીવસિંહ રાઠોડ, રોહિતસિહ પોપટસિંહ ચૌહાણ, હરીસિંહ સજ્જનસિંહ ચૌહાણ અને રાહુલભાઇ કલ્યાણભાઇ રબારી(તમામ રહે. પાલુન્દ્રા) હોવાનું જણાવ્યું હતું. જ્યારે જુગાર ધામ ચલાવતો લાલસિંહ બાબુસિંહ ચૌહાણ પણ જુગાર રમવા સાથે બેઠો હતો. પણ પોલીસ રેડની ગંધ આવી જતાં ભાગી ગયો હતો. પોલીસે જુગારીઓની અંગ ઝડતી લેતા ૩૩ હજાર ૯૦૦ રોકડા મળી આવ્યા હતા. તેમજ દાવ પરથી રૂ. ૭૨૪૦, ૨૩ હજારની કિંમતના આઠ મોબાઇલ ફોન તેમજ જુગારનું સાહિત્ય મળીને કુલ રૂ. ૬૧ હજારથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી ગામના નવ જુગારીઓની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts