દહેજ ભૂખ્યા પતિએ પત્નીને વોટ્સએપ પર કોલ કરી ટ્રિપલ તલાક આપતા ચકચાર
દહેજભૂખ્યા પતિએ પત્નીને વોટ્સએપ પર કોલ કરી ટ્રિપલ તલાક આપ્યા હોવાનો કિસ્સો સુરતમાંથી પ્રકાશમાં આવ્યો છે. અગાઉ લગ્નના ૨ માસમાં જ તલાક આપનાર મુંબઇ નિવાસી પતિ સહિતના સાસરિયાઓએ ફરી પોત પ્રકાશતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.
મળતી વિગતો પ્રમાણે લિંબાયતમાં શાહપુરા ઇદગાહની સામે રહેતા સાયમાબાનો મોહમંદ જાવેદ એજાજ મિર્ઝા (ઉં.વ.૨૭) હાલ પિયરમાં રહે છે. તેણીએ લિંબાયત પોલીસમાં પતિ મોહમંદ જાવેદ, સાસુ મુતિમુન નિશા એજાજ મિર્ઝા, સસરા મોહંમદ એજાઝ મિર્ઝા સામે લિંબાયત પોલીસમાં ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૭૪માં તેણીના લગ્ન મુંબઇ ધારાવીનગરમાં રહેતા જાવેદ મિર્ઝા સાથે થયા હતા. લગ્નના બે માસ બાદથી પતિએ નાપસંદ હોવાના ટોણાં મારી ઝઘડા શરૂ કર્યા હતા. એલફેલ બોલી મારપીટ પણ કરાતી હતી.
સાસુ-સસરા પણ અત્યાચાર ગુજારતા હતા. ત્યારબાદ પતિએ ટ્રિપલ તલાક આપી પિયર મોકલી આપી હતી. જાેકે, સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરી ફરી મુસ્લિમ ધર્મની વિધિ અનુસાર નિકાહ કર્યા હતા. ત્યારબાદ પાંચેક મહિના બધુ બરાબર ચાલ્યા બાદ સાસુ-સસરાએ ફરી પતિની ચઢામણી શરૂ કરી હતી. દહેજ માટે પતિએ ફરી ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. આ દરમિયાન તેઓને બે પુત્રીનો જન્મ થયો હતો. બીજી તરફ સાસરિયાના સ્વભાવમાં કોઇ ફરક પડયો ન હતો.
ઓગસ્ટ ૨૦૨૦માં ૩ લાખના દહેજ માટે મારઝૂડ કરી પરિણીતાને બે બાળકી સાથે ઘરમાંથી કાઢી મુકાઇ હતી. જેથી તેણી લિંબાયત સ્થિતમાં પિયરમાં રહેવા લાગી ગઇ હતી. ત્યારબાદ ગત તા. ૦૩-૦૫-૨૦૨૧ના રોજ પતિ જાવેદે પત્નીને વોટ્સએપ કોલ કરી એલફેલ બોલી ટ્રિપલ તલાક આપી દીધા હતા. સાયમાબાનોએ ફરિયાદ આપતા લિંબાયત પોલીસે પતિ જાવેદ મિર્ઝા સહિત સાસરિયા સામે ગુનો નોંધી તપાસ આદરી છે.
Recent Comments