દારૂનો જથ્થો ભાવનગર પહોંચે તે પહેલા જ પોલીસ પકડી પાડયો
રાજ્યમાં પ્રતિબંધિત એવા દારૂનો ગેરકાયદેસર ધંધો કરતા લોકો પર ફરી એક વાર ગુજરાત પોલીસે સપાટો બોલાવ્યો છે, ગોવાથી નિકળેલો દારૂ ભરેલો ટેમ્પો ભાવનગર પહોંચે તે પહેલા જ વડોદરા ગ્રામ્યના કરજણ પોલીસ મથકની હદમાં ખેલ પડી ગયો હતો. અને તેને પકડી પાડવામાં આવ્યો હતો. કરજણ પોલીસ સ્ટેશનમાં એલસીબીના હેડ કોન્સ્ટેબલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ શિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાની તપાસ અર્થે હતા. દરમિયાન બાતમી મળી કે, એક બંધ બોડીના આઇસર ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી ભરૂચ થઇને વડોદરા તરફ આવી રહ્યો છે. જેથી તેમની ટીમે કરજણ પોલીસ મથકની દેથાણ ગામના પાટીયા તથા ભરથાણા ટોલનાકા વચ્ચે હાઇવે પર રામદેવ હોટલ સામે આવીને વોચ ગોઠવી હતી.
તે દરમિયાન બાતમીથી મળતી આવતો ટેમ્પો આવતો દેખાયો હતો. જેને કોર્ડન કરીને અટકાવી દેવામાં આવ્યો હતો. ટેમ્પામાંથી એક માત્ર ચાલક મળી આવ્યો હતો. તેણે પોતાનું નામ અહમદ વ્હોરા (રહે. ડભાણ પંચાયત ઓફીસની બાજુમાં, નડીયાદ) હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેને આઇસર ટેમ્પામાં ભરેલા મુદ્દામાલ અંગે પુછતા તેણે ગલ્લા-તલ્લા કરવાનું શરૂ કરી દીધું હતું. જે બાદ તેને સાથે રાખીને તપાસ કરતા ટેમ્પામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલી પેટીઓ મળી આવી હતી. આ અંગે તેની પાસે પરમીટ ન હોવાનું તેણે જણાવ્યું હતું.
પોલીસ દ્વારા પકડવામાં આવેલ મુદ્દામાલની ગણતરી કરતા ૪૧૬ વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જેની કિંમત રૂ. ૧૯.૯૬ લાખ આંકવામાં આવી રહી છે. આ દારૂ ક્યાંથી ભરીને લઇને આવ્યા તે અંગે કડકાઇ પૂર્વક પુછતા ચાલકે જણાવ્યું કે, આ દારૂ નાનેશ્વર (રહે. મડગાંવ, ગોવા) નો છે. તેણે આ જથ્થે મડગાંવ પેપ્સી સર્કલ પર બોલાવીને દારૂ ભરેલો આઇસર ટેમ્પો આપ્યો હતો. તેને ભાવનગર પહોંચાડવાનો હતો. ત્યાં પહોંચીને ફોન કરવા જણાવ્યું હતું. ગોવાથી ચાલકે નિકળીને રત્નાગીરી, ચીપલુણ મહાડ, ભીલાડ, વાપી, વલસાડ, સુરત થઇને ભરૂચ થઇ વડોદરા આવ્યો હતો.
આ કાર્યવાહીમાં વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ દ્વારા ટેમ્પા ચાલક અહમદ વ્હોરા (રહે. ડભાણ પંચાયત ઓફીસની બાજુમાં, નડીયાદ) ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દારૂનો જથ્થો આપનાર શખ્સ નાનેશ્વર (રહે. મડગાંવ, ગોવા) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
Recent Comments