દિલ્હીમાં કાર સવાર યુવકો યુવતીને ૮KM સુધી ઢસડી ગયા, દર્દનાક મોત થયું, ૫ આરોપીની ધરપકડ
દિલ્હીના કાંઝાવાલામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અકસ્માત પછી, ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીની વચ્ચેની રાત્રે, એક યુવતી વાહનની નીચે ફસાઈ ગઈ અને ૭-૮ કિલોમીટર સુધી ઢસળાઈ. આ ઘટનામાં યુવતીનું મોત થયું હતું. તેના શરીર પરથી તમામ કપડા ફાટી ગયા હતા. બાદમાં યુવતીની લાશ નગ્ન અવસ્થામાં મળી આવી હતી. પોલીસે કારમાં સવાર પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે આ ઘટના અકસ્માતની છે. ડીસીપી આઉટર પ્રમાણે આઉટર દિલ્હી પોલીસને વહેલી સવારે સૂચના મળી હતી કે એક ગાડીમાં બોડી લટકેલી છે, આ ગાડી કુતુબગઢ તરફ જઈ રહી હતી. પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને ગાડીનું સર્ચ શરૂ કર્યું હતું.
આ દરમિયાન પોલીસને માહિતી મળી કે કાંઝાવાલા વિસ્તારમાં એક યુવતીની નગ્ન હાલતમાં લાશ રોડ પર પડી છે. ક્રાઈમ ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી અને ફોરેન્સિક પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે કારની શોધખોળ શરૂ કરી તો સુલતાનપુરીમાં કાર ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. તો પોલીસને એક સ્કૂટી મળી જે દુર્ઘટનાનો શિકાર થઈ હતી. પોલીસ પ્રમાણે તપાસ કર્યા બાદ સામે આવ્યું કે અકસ્માત બાદ એક સ્કૂટી સવાર યુવતી ગાડીના વ્હીલમાં ફસાઈ ગઈ હતી અને ગાડી દૂર સુધી ઢસેડીને લઈ ગઈ હતી.
ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લાશ નગ્ન અવસ્થામાં પડી છે. તેવામાં પોલીસ દરેક બાબતે તપાસ કરી રહી છે. શરૂઆતી તપાસમાં ઘટના અકસ્માતની લાગી રહી છે. તપાસમાં સામે આવ્યું કે અકસ્માત બાદ ગાડીમાં ફસાવાને કારણે યુવતી દૂર સુધી ઘસેડાઈ હતી, જેના કારણે તેના કપડા ફાટી ગયા હતા. આરોપી યુવકો દારૂના નશામાં હતા જે મુરથલ સોનીપતથી પરત પોતાના ઘર મંગોલપુરી જઈ રહ્યાં હતા, આ દરમિયાન સુલ્તાનપુરીની પાસે તેની યુવતીની સ્કૂટી સાથે ટક્કર થઈ. ત્યારબાદ યુવતી કારની નીચે ફસાઈ ગઈ અને આરોપી યુવકો તેને ઢસડી ગયા હતા.
Recent Comments