રાષ્ટ્રીય

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસમાં કોર્ટે ઈડી દ્વારા અરવિંદ કેજ્રીવાલની ધરપકડ અને કસ્ટડીને પડકારનારી અરજીઓને ફગાવી દીધી

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે દિલ્હી હાઈકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. કોર્ટે ઈડી દ્વારા ધરપકડ અને કસ્ટડીને પડકારનારી તેમની અરજીઓને ફગાવી દીધી છે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ચુકાદો આપતા કહ્યું કે આ કેન્દ્ર સરકાર અને કેજરીવાલ વચ્ચેનો મામલો નથી. પરંતુ ઈડી અને તેમના વચ્ચેનો મામલો છે. તેમની મની લોન્ડરિંગ કેસમાં એજન્સીએ ધરપકડ કરી છે. કોઈને કોઈ વિશેષાધિકાર આપી શકાય નહીં. ઈડી પાસે પૂરતા પુરાવા છે. તપાસમાં પૂછપરછમાંથી મુખ્યમંત્રીને છૂટ મળી શકે નહીં. જજ કાયદાથી બંધાયેલા છે, રાજનીતિથી નહીં. હાઈકોર્ટ તરફથી કહેવાયું છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ ગેરકાયદેસર નથી.

આ અગાઉ જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ ૩ એપ્રિલના રોજ તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર આ ચુકાદો આવ્યો છે. ઈડીએ અરવિંદ કેજરીવાલની ૨૧ માર્ચના રોજ ધરપકડ કરી હતી અને તેઓ છેલ્લા ૯ દિવસથી દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. દિલ્હી હાઈકોર્ટે ધરપકડ પર કહ્યું કે ઈડીએ પોતાની દલીલમાં કહ્યું છે કે અરજીકર્તા આ સમગ્ર મામલે સામેલ છે. આ કેસમાં અનેક નિવેદનો લેવામાં આવ્યા છે. જેમ કે રાઘવ મુંગટા અને શરત રેડ્ડીના નિવેદન. અરવિંદ કેજરીવાલ તરફથી પોતાની અરજીમાં સરકારી સાક્ષીઓના નિવેદનો પર સવાલ ઊભા કરવામાં આવ્યા હતા. જેના પર હાઈકોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે અપ્રુવરના નિવેદનો ઈડી નહીં પરંતુ કોર્ટ લખે છે. જાે તમે તેના પર સવાલ ઉઠાવો તો તમે જજ પર સવાલ ઉઠાવી રહ્યા છો. રેડ્ડીના નિવેદનો અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કેજરીવાલ પાસે એ અધિકાર છે કે તેઓ સાક્ષીને ક્રોસ કરી શકે. પરંતુ નીચલી કોર્ટમાં, હાઈકોર્ટમાં નહીં. તપાસ કોઈ વ્યક્તિની સુવિધા મુજબ ન ચાલી શકે. તપાસ દરમિયાન એજન્સી કોઈના પણ ઘરે જઈ શકે છે.

Related Posts