fbpx
સૌરાષ્ટ - કચ્છ

દિવસેને દિવસે મચ્છરોનો ત્રાસ વધતો જાય છે લોકો ડેન્ગ્યુ, મલેરિયાના સકંજામાં ફસાયા

ઘર-ઓફિસમાં ડેન્ગ્યુના મચ્છરને નરી આંખે ઝીણવટથી જુઓ તો ઓળખી શકાય છે, ક્યુલેક્સ મચ્છર સપાટીને સમાંતર ખૂંધ કાઢીને બેસે, મલેરિયા ફેલાવતા ઓનોફિલીઝ મચ્છર ૪૫ ડીગ્રીએ ખૂણો બનાવીને બેસે ત્યારે એડિસ મચ્છર સપાટીને સમાંતર બેસે છે. વળી, જાણકારો કહે છે કે મચ્છર ૭૫ ફૂટ દૂરથી માણસની ગંધ,શ્વાસ પારખી જાય છે અને આંખ નહીં હોવા છતાં જાેયા વગર તે માણસ સુધી પહોંચીને કરડે છે. આ મચ્છરોનો ત્રાસ ક્યારે ઓછો થશે? મનપા સૂત્રો કહે છે કડકડતી ઠંડી પડે, ૧૬ સે.થી નીચે તાપમાન જાય અને ટકે ત્યારે એક તો મચ્છરો નિષ્ક્રિય થવા લાગે છે અને બીજું લોકો આંખી બાંયના વસ્ત્રો પહેરતાં હોય છે ત્યારે ડેન્ગ્યુનો ફેલાવો ઘટે છે. આમ, એક-દોઢ માસ હજુ ખતરો વધુ રહેશે અને કડકડતી ઠંડીમાં એ ઘટશે. આ ઉપરાંત ઉનાળામાં જ્યારે ૪૦ સે.એ તાપમાન પહોંચે ત્યારે પણ આ મચ્છરોને કરડવાનું કામ અશક્યવત્‌ બની જાય છે. અલબત્ત, મચ્છરે જ્યાં ઈંડાં મૂક્યાં હોય ત્યારે એની સઘન સફાઈ ન થઈ હોય તો આ ઈંડા એક વર્ષ સુધી જીવી શકે અને વરસાદનું પાણી મળે ત્યારે ફરી જીવિત થઈને બહાર આવી શકે છે.ગુજરાતભરમાં દિવસના સમયે અને એમાંય વિશેષતઃ સૂર્યાસ્ત પહેલાં અને સૂર્યોદય પછીના બે કલાક દરમિયાન વધુ કરડતા એડિસ ઈજિપ્ટી પ્રકારના મચ્છરાને કારણે ડેન્ગ્યુ તાવના કેસોમાં અનેકગણો વધારો આ વર્ષે આવ્યો છે. કોરોના વાઇરસનો ચેપ માણસથી માણસમાં પ્રસરે એમ ડેન્ગ્યુ વાઇરસનો ચેપ માણસથી મચ્છરમાં અને મચ્છરથી માણસમાં પ્રસરે છે. આ મચ્છરોને વસતિ વધારવા, એક્ટિવ (કરડવા માટે) રહેવા ૧૬થી ૨૮ સે.વચ્ચેનું તાપમાન અનુકૂળ હોય છે અને એથી વધુ કે ઓછા તાપમાનમાં એ મૃતપ્રાય થાય છે અને હાલ ગુજરાતમાં આવું હવામાન હોય અને એમાં ઉપરથી ભારે વરસાદથી છીછરા, ચોખ્ખા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ હજુ એકાદ માસ જારી રહેવાની સંભાવના તબીબો જણાવે છે. ધરતી પર મચ્છરોની ૩૦૦૦ જાત છે અને ભારતમાં ૨૫૦ પ્રકારની, એમાં ગુજરાતમાં માત્ર ૨૩ પ્રકારના મચ્છરો હોય છે પરંતુ આ પ્રકારોમાં ડેન્ગ્યુ ફેલાવતા અને ઘર-ઓફિસમાં બંધિયાર છીછરા પાણીમાં પેદા થતા એડિસ ઈજિપ્ટી પ્રકારના મચ્છર સૌથી ખતરનાક હોય છે, જે ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા ગંભીર રોગ ફેલાવે અને મુખ્યત્વે દિવસે કરડે છે. જ્યારે ઓનોફિલીઝ મચ્છરો મલેરિયા ફેલાવે છે અને એ કેસો હાલ નહિવત્‌ નોંધાય છે. ત્રીજાે મુખ્ય પ્રકાર ક્યુલેક્સ મચ્છરોનો છે, જે ગટર, ખાબોચિયાંના ગંદા પાણીમાં પેદા થાય છે અને સૌથી મોટા કદના તથા સૌથી વધુ ડંખ મારનારા હોય છે, જેનાથી હાથીપગો ફેલાય, પણ પણ એના વાઇરસ હાલ સક્રિય નથી, તેથી એ મચ્છરો ન્યૂસન્સ મચ્છરો ગણાય છે. ડેન્ગ્યુ ફેલાવતા એડિસ મચ્છરોની વિગતો રસપ્રદ છે. આ પ્રકારના નર જાતિના મચ્છરો તો ફૂલ અને પાંદડાંનો રસ ખાઈ પેટ ભરી લે છે, મનુષ્યને કરડતા નથી, પરંતુ માત્ર માદા મચ્છરો જ મનુષ્યનું લોહી પીવા કરડે છે. રાજકોટ મનપાના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ આ અંગે માહિતી આપતાં કહે છે, એક વાર ડંખ મારે એટલે માત્ર ૦.૧ મિમી લોહી મનુષ્યના શરીરમાંથી ખેંચે છે, પરંતુ એ દરમિયાન જાે આ મચ્છર કોઈ ડેન્ગ્યુ દર્દીને કરડીને સાજા માણસને કરડે એટલે તેને ચેપ ફેલાવે છે. આમ, વ્યાકરણ મુજબ મચ્છર કરડી ગયો કે કરડી ગયું એ નહીં, પણ મચ્છર કરડી ગઈ એ શબ્દપ્રયોગ સાચો છે! મનુષ્યને ૩૨ દાંત હોય છે ત્યારે મચ્છરને ૭૦ દાંત હોય છે. નદી-ગટરમાં પેદા થતા મચ્છર ૩ કિ.મી.દૂર સુધી જઈ શકે પણ ડેન્ગ્યુના મચ્છર માત્ર ૩૦૦ મીટર સુધી જ દૂર જઈ શકે છે, અર્થાત્‌ એક શેરી-લત્તાનું મચ્છર બીજી શેરીમાં જતું નથી! માદા મચ્છર માટે માણસોને કરડવું તે જીવનનો સવાલ છે. આ મચ્છરનું આયુષ્ય માત્ર ૧૫-૨૦ દિવસનું હોય છે પરંતુ, એટલા જીવનમાં તે ૧૦થી ૧૨ વાર અને દરેક વખતે એક સાથે ૧૫૦-૨૦૦ ઈંડા મુકે છે, જેનો નાશ ન થાય કે ન કરાય તો દરેક ઈંડામાંથી ૭થી ૧૨ દિવસમાં અનુક્રમે લાર્વા, પ્યુપા અને પુખ્તમચ્છર બની જાય છે અને આ મચ્છરની મા જાે ડેન્ગ્યુથી ચેપગ્રસ્ત હોય તો તે મચ્છર પણ ડેંગ્યુ ફેલાવે છે!

Follow Me:

Related Posts