fbpx
અમરેલી

દિવાળીના તહેવારોને અનુલક્ષીને ફટાકડાના ખરીદ-વેચાણ અને ઉપયોગ પર નિયંત્રણ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને ફટાકડાના ખરીદ, વેચાણ અને ઉપયોગ પર નિયંત્રણ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવ્યા મુજબ સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછું એમિશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવી છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ભારે ઘોંઘાટ વાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા ફટાકડા [Joint firecrackers, Series crackers or Laris) પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિઅબંધ મુકવામાં આવ્યો છે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે. આ વેપારીઓએ સુપ્રિમ કોર્ટનાં આદેશ મુજબ પરવાનગી આપેલ ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે. તમામ ઇ-કોમર્સ વેબસાઈટને ઓનલાઈન તમામ પ્રકરનાં ફટાકડાનાં વેચાણ પર પ્રતિબંધ મુકેલ છે.

ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મુકેલ છે. દિવાળીના તહેવારો દરમ્યાન રાત્રિના ૨૦:૦૦ થી ૨૨:૦૦ કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. સિરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લૂમ) થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી, ફોડી કે વેચાણ કરી શકાશે નહીં. હાનિકારક ધ્વનિ પ્રદુષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તર (ડેસીબલ લેવલ)વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. PESO સંસ્થા દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોકસ પર “PESO ની સૂચના પ્રમાણેનું માર્કિંગ હોવું જોઈશે. હોસ્પીટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળની 100 મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહિ.

કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહિ તેમજ રાખી કે વેચાણ કરી શકાશે નહિ. લોકોને અગવડ ઉભી ન થયા કોઈપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે અમરેલી જિલ્લાના તમામ વિસ્તારોના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, એલ.પી.જી. બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી.ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈ મથકની નજીક ફટાકડા દારૂખાનું ફોડી શકાશે નહિ. કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુકકલ/ આતશબાજ બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહિ તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહિ, આ જાહેરનામું સમગ્ર અમરેલી જિલ્લાના વિસ્તારને તા. ૩૦/૧૦/૨૦૨૧ થી ૧૬/૧૧/૨૦૨૧ બંને દિવસ સુધી અમલી રહેશે.

Follow Me:

Related Posts