દિવાળી અને અન્ય તહેવારોની ઉજવણી દરમિયાન પ્રતિબંધિત ફટાકડાના ઉત્પાદન, ખરીદ-વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ

દિવાળી અને અન્ય તહેવાર દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ-અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી તથા તેમને કોઈ અગવડ ન પડે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા – ૨૦૨૩ કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવી છે.આ સિવાય તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ છે. ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી તથા વધુ પ્રદુષણ ફેલાવાતા હોય આથી તેના પર પણ પ્રતિબંધ છે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે. તમામ ઈ-કોમર્સ વેબસાઇટને ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર સુપ્રીમકોર્ટ દ્વારા પ્રતિબંધ છે.
દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે. તેમાં ફટાકડા રાત્રિના ૦૮ થી ૧૦ કલાક સુધી જ ફોડી શકાશે. હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે માત્ર પી.ઈ.એસ.ઓ સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તર (ડેસિબલ લેવલ) વાળા જ ફટાકડા વેચી કે વાપરી શકાશે. હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં.લોકોને અગવડ ઉભી ન થાય અને કોઈ પણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે અમરેલી જિલ્લાના તમામ વિસ્તારોના બજારો, શેરીઓ,ગલીઓ, જાહેર રસ્તા, પેટ્રોલ પંપ, એલ.પી.જી બોટલીંગ પ્લાન્ટ અને ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈ મથકની નજીક ફટાકડા દારૂખાનું ફોડી શકાશે નહીં.
કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્સ (ચાઇનીઝ તુક્કલ,આતશબાજી બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહીં. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના તા.૦૯.૧૧.૨૦૨૦ હુકમ મુજબ પ્રદુષણનું પ્રમાણ વધે નહીં તે માટે સાવચેતીના પગલા લેવા તથા માત્ર ગ્રીન ક્રેકર્સ તથા ઓછા એમિશન ઉત્પન્ન કરે તેવા ફટાકડાનું ઉત્પાદન તથા વેચાણ કરવાનું રહેશે. આ હુકમ અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે.આ હુકમ તા.૨૬.૧૧.૨૦૨૪ સહિતના દિવસ સુધીના સમયગાળા માટે અમલી રહેશે. હુકમનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૨૩ તથા એક્સપ્લોઝીવ એક્ટ ૧૮૮૪ ની જોગવાઈ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૧ હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર રહેશે.
Recent Comments