દિવાળી સુધી ગરીબોને મફ્ત અનાજ આપવાની વડાપ્રધાનની જાહેરાત
રૂપાણી સરકારનાં પાંચ વર્ષ પૂર્ણ કરવાના અવસરે આજે અન્નોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેના ભાગરૂપે દાહોદ જિલ્લામાં રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાજ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે વચ્ર્યુઅલ સંવાદ કર્યો હતો. એમાં દાહોદ અને રાજકોટના લાભાર્થીઓને આ યોજના લેવામાં કોઇ તકલીફ પડે છે કે નહીં, વચેટિયા હેરાન કરતા નથી ને એ અંગે પૂછ્યું હતું. મોદીએ લાભાર્થીઓ સાથે સંવાદમાં જણાવ્યું હતું કે દિવાળી સુધી ગરીબોને મફત અનાજ મળશે. મોદીએ ગુજરાત સરકારની કામગીરીને વખાણી હતી.
વડાપ્રધાન મોદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘હજુ દિવાળી સુધી ગરીબોને મફત અનાજ મળશે. દરેક સંભવ મદદ કરવી જ અમારો અર્થ છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ આવતા તમામ લાભાર્થીઓને દર વ્યક્તિદીઠ ૫ કિ.ગ્રા વધારાનું રાશન આપવામાં આવે છે. આજે વિશ્વભરમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વખાણ થઇ રહ્યાં છે.
વધુમાં જણાવ્યું કે, ‘આ યોજના પાછળ સરકાર દ્વારા ૨ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે. જેનો હેતુ માત્ર એક જ છે કે, ભારતની એક પણ વ્યક્તિ ભૂખી ન સૂવે. આ યોજનામાં રાશન કાર્ડધારકોને પહેલાં કરતાં બે ગણી માત્રામાં અનાજ આપવામાં આવી રહ્યું છે. આ યોજના દિવાળી સુધી ચાલશે.
વડાપ્રધાન મોદીએ રાજ્ય સરકારની પ્રશંસા કરતા જણાવ્યું કે, ‘ગુજરાતમાં સાડા ત્રણ કરોડ લાભાર્થીઓને મફત અનાજનો લાભ મળી રહ્યો છે. એ માટે હું ગુજરાત સરકારની પ્રશંસા કરું છું. દેશના બીજા હિસ્સાના શ્રમિકોને પણ ગુજરાત રાજ્યએ પ્રાથમિકતા આપી છે. ગુજરાતે સૌથી પહેલાં વન નેશન વન રાશન કાર્ડનો લાભ આપ્યો છે.
આ સાથે જણાવ્યું કે, ‘ગુજરાતના એક મોટા ભાગમાં પાણી માટે મહિલાઓને ચાલીને જવું પડતું. રાજકોટમાં પણ પાણી માટે ટ્રેન મોકલવી પડતી. પરંતુ આજે સરદાર સરોવર ડેમ, સૌની યોજના અને કેનાલોના નેટવર્કથી નર્મદાનું પાણી પહોંચી રહ્યું છે. જેના કારણે આજે ગુજરાત ૧૦૦ ટકા ‘નળ સે જલ’ ઉપલ્બધ કરાવવામાં હવે દૂર નથી. આ પરિવર્તન પણ આખો દેશ અનુભવી રહ્યો છે.
તદુપરાંત પીએમ મોદીએ રાજકોટના એક લાભાર્થી સાથે વાત કરતા પૂછ્યું હતું કે, ‘આ યોજનાનો લાભ લેવામાં કોઇ તકલીફ તો નથી પડી રહી ને.’ એમાં લાભાર્થીએ જણાવ્યું હતું કે, ‘કોરોનાકાળમાં આ યોજના હેઠળ અનાજ મળવાથી ઘણી રાહત છે.
અત્રે નોંધનીય છે કે, આ અવસરે ૧૭ હજાર પંડિત દિનદયાલ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી ‘અન્નોત્સવ’ અન્વયે ૪.૨૫ લાખ ગરીબ-અંત્યોદય પરિવારોને વ્યકિતદીઠ ૫ કિલો અનાજ કિટ વિનામૂલ્યે વિતરણ પણ આ કાર્યક્રમથી શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત કેન્દ્ર સરકારે ગત વર્ષે જુલાઇથી નવેમ્બરના પાંચ મહિનામાં ૨૦૧ લાખ મેટ્રીક ટન મફત ખાદ્યની ફાળવણી કરી હતી. જ્યારે આ વર્ષની જાે વાત કરીએ તો તેમાં અંદાજે ૨૮ લાખ મેટ્રીક ટન મફત ખાદ્યાન્ન વિતરણ કરવામાં આવ્યું છે.
Recent Comments