ભાવનગર

દુબઈમાં લાગેલ આગ અને વિંછીયાની ધટનામાં નોધારા થયેલા બાળકોને સહાયતા રાશિ અર્પણ કરતા મોરારિબાપુ

પ્રાપ્ત અહેવાલો અનુસાર ગત દિવસોમાં દુબઈના  અલ રાશિની રેસીડેન્સીયલ બિલ્ડીંગમાં આગ લાગી હતી અને આ ઘટનામાં સ્થાનિક નાગરિકો અને જેમાં ચાર ભારતીયો મળીને કુલ 16 વ્યક્તિઓના મોત થયા છે. પૂજ્ય બાપુ એમની કથાઓમાં અનેક વખત કહે છે કે એમના માટે આખી વસુધા એમનો પરિવાર છે. સંવેદનાને વળી શેના સિમાડા ! એ ન્યાયે દુબઈમાં માર્યા ગયેલા ૧૬ લોકોનાં પરિજનોને પ્રત્યેકને ૫૦૦ યુ એ ઈ દિનારની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે. ભારતીય ચલણ પ્રમાણે સહાયતા રાશિ રુપિયા ૧૧ હજાર થી વધુ થાય છે. દુબઈ સ્થિત રામકથાના શ્રોતાઓ તરફથી સહાયતા રાશિ પહોચતી કરવામાં આવશે.

   વિશ્વ જ્યારે 21 મી સદીના સમયમાં જીવે છે તેવે સમયે ગઈકાલે વિંછીયામાં એક અત્યંત નિંદનીય ઘટના બની છે, જે અંધશ્રદ્ધાનો ઉત્તમ પુરાવો છે. કોઈ તાંત્રિક વિધિમાં એક મા બાપે એમનો ખુદનો બલિ ચઢાવ્યો છે. આ ઘટના સર્વથા વખોડવાને પાત્ર જ છે. પરંતુ સામે પક્ષે માતા પિતાની અંધશ્રદ્ધા ને લીધે બે માસુમ બાળકો નોધારા બન્યા છે. માનવતા અને તીવ્રતમ સંવેદના ના ભાગરૂપે પૂજ્ય બાપુએ આ બંને બાળકો માટે પણ ૧૧-૧૧ હજાર રૂપિયા ની સહાયતા રાશિ અર્પણ કરી છે. તમામ મૃતકોના નિર્વાણ માટે  પૂજ્ય બાપુએ શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે. 

તેમ મહુવાથી જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.

Related Posts