ગુજરાત

દેવગઢબારિયામાં દારૂના અડ્ડા પર પોલીસ રેડ કરવા જતા બૂટલેગરે ફાયરિંગ કર્યું, બચાવમાં પોલીસે પણ ફાયરીંગ કર્યું

દાહોદ જિલ્લાના દેવગઢબારિયામાં પોલીસ અને બુટલેગરો વચ્ચે રાત્રે સામ-સામે ઘર્ષણ થયું હતું. સ્ટેટ વિજીલનસની ટીમ રાત્રે બુટલેગરના ઠેકાણાં પર રેડ પાડી હતી. આ દરમિયાન બુટલેગરોએ સામે ફાયરિંગ કર્યું હતું. જેના વળતા જવાબમાં પણ પોલીસે ફાયરિંગ કર્યું હતું. પોલીસે રેડ દરમિયાન દારૂની બે મોટા અને બે નાના વાહનો કબ્જે કર્યા છે. ઉપરાંત મોટા પ્રમાણમાં દારૂ પણ જપ્ત કર્યાની માહિતી મળી રહી છે. ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યું છે. રાજ્યમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં મોટા પ્રમાણમાં દારૂ રાજ્યમાં ઘૂસાડવામાં આવે છે. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, છોટાઉદેપુરનો બુટલેગર ભીખા રાઠવા વિદેશી દારૂનો જથ્થો લઈને ધાનપુરના પાંચિયાસાળ ગામેથી પસાર થવાનો છે.

જેથી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાત્રે જ વોચ ગોઠવી દેવામા આવી હતી. આ દરમિયાન બુટલેગર ભીખા રાઠવા ફોર વ્હીલર લઈને આવતા પોલીસે તેને રોકવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેણે ગાડી રોકવાને બદલે પોલીસ તરફ ગાડી ફેંકી ફાયરિંગ કર્યુ હતુ. તેણે આડેધડ સાત-આઠ રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાની પ્રાથમિક તબક્કે માહિતી મળી છે. ત્યારે પોલીસે પણ તેની સામે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામા કોઈને ઈજાઓ થયા હોવાના અહેવાલ હાલ નથી, પરંતુ વાહનોને નુકસાન થયુ હોવાનુ જાણવા મળ્યુ છે. ત્યારે સૌથી ગંભીર બાબત એ છે કે, હુમલો કરીને બુટલેગર ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. હાલ સાગટાળા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

મહત્વનું છે કે, એકાદ મહિના પહેલાં રાજકોટમાં પણ બુટલેગરના પરિવારે પોલીસ સ્ટેશન માથે લીધુ હતું. રાજકોટમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ વિજિલન્સની ટીમે ગોકુલધામ વિસ્તારમાં નામચીન બૂટલેગર હાર્દિક ઉર્ફે કવિ હરેશભાઈ સોલંકીના દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. બાદમાં પોલીસે હાર્દિક સહિત ૫થી ૬ શખ્સોને ઝડપી લઈ ચાર વાહન, મોબાઈલ સહિત લાખોની મતા કબ્જે કરી હતી. બાદમાં હાર્દિકના પરિવારની મહિલાઓ માલવિયાનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને આખું પોલીસ સ્ટેશન બાનમાં લીધું હતું. મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. મહિલાઓએ પોલીસને બેફામ ગાળો ભાંડી હતી અને આક્ષેપ કર્યો હતો કે, પોલીસ ૫૦ હજાર રૂપિયા લઈ જાય છે. જાે કે થોડીવાર તો પોલીસ સ્ટેશનમાં તંગ વાતાવરણ બની ગયું હતું.

Related Posts