દેવગઢ બારીયા નગર પાલિકાના પ્રમુખપદ માટે ૨૪ માર્ચે ચુંટણી યોજાવાની છે. ત્યારે ગત વખતે રાજકીય રીતે નાટકીય બની ગયેલી આ ચુંટણીમાં કોણ વિજેતા બનશે તેના પર સૌ કોઇની મીટ મંડાયેલી છે. કારણ કે રાજ્ય સરકારમાં મંત્રી પદ ભોગવતા રાજ્ય મંત્રીનો આ મત વિસ્તાર છે, ત્યારે ૨૦૨૨ને અનુલક્ષીને પણ આ ચુંટણી મહત્વની માનવામાં આવે છે.
દેવગઢ બારીયા નગર પાલિકામાં થોડા સમય પહેલાં જ પ્રમુખ પદ માટે ચુંટણી યોજાઇ હતી. જેમાં દક્ષા નાથાણીને ભાજપે પ્રમુખ પદના અને પૂર્વ પ્રમુખ ચાર્મી સોનીને ઉપ પ્રમુખ પદના ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ ચાર્મી સોનીએ પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવી હતી. પરિણામે મતદાન કરાયુ હતુ. જેમાં બંન્ને મહિલા ઉમેદવારોને ૧૨-૧૨ મત મળ્યા હતા.જેથી ચિઠ્ઠી ઉછાળતાં દક્ષાબેન વિજયી જાહેર થયા હતા.
ત્યારબાદ દક્ષા નાથાણીનુ સભ્ય પદ રદ કરવા રીટ કરવામાં આવી હતી. કારણ કે તે કોંગ્રેસમાંથી ચુંટાઇને આવ્યા હતા અને ભાજપાના મેન્ડેટ પર પ્રમુખ પદે ચુંટાયા હતા. જેથી આ અરજી માન્ય રાખી પ્રમુખનું જ સભ્ય પદ રદ કરવાનો હુકમ કરી દેવાતાં દેવગઢ બારીયા પાલિકામાં રાજકીય ભુકંપ આવ્યો હતો. ત્યારબાદ ફરીથી પ્રમુખ પદની ચુંટણીનો માર્ગ મોકળો થઇ જતાં ૨૪ માર્ચે ચુંટણી યોજાવા જઇ રહી છે.


















Recent Comments