fbpx
રાષ્ટ્રીય

દેશના પાંચ રાજ્યોમાં કોરોના વધતા કેન્દ્ર સરકારનું ટેન્શન વધ્યું

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, કર્ણાટક અને તમિલનાડુમાં કોવિડ ૧૯ ની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને પાંચ-પાંખીય વ્યૂહરચના, એટલે કે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને કોવિડ યોગ્ય પ્રેક્ટિસને અનુસરવા માટે નિર્દેશિત કરવામાં આવ્યા છે. આ પહેલા ૪ જૂનના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પણ ઉપરોક્ત પાંચ રાજ્યોને પત્ર લખીને કોરોનાના વધી રહેલા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. નવીનતમ સૂચનાઓમાં, કેન્દ્રએ રાજ્યોને કોરોનાના ઝડપથી વધી રહેલા કેસ પર નજીકથી નજર રાખવા અને સંક્રમણને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. જૂન મહિનામાં ભારતમાં અત્યાર સુધીમાં ૩૯,૪૦૦ થી વધુ નવા કેસ નોંધાયા છે. તેમાંથી આ અઠવાડિયે જ ૨૦,૦૦૦ થી વધુ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં સક્રિય કોવિડ -૧૯ કેસની સંખ્યામાં ૩,૬૪૧ નો વધારો થયો છે. દેશમાં હવે કોરોનાના ૩૨,૪૯૮ એક્ટિવ કેસ છે, જે કુલ કેસના ૦.૦૭% છે. ભારતમાં કોરોના રોગચાળો શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં કુલ ૫,૨૪,૭૨૩ લોકોના મોત થયા છે. રિકવરી રેટ ૯૮.૭૨% પર સ્થિર છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૩,૫૦૦ થી વધુ લોકો સાજા થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨,૭૦૧ નવા કોવિડ કેસ નોંધાયા છે. જે લગભગ ચાર મહિનામાં સૌથી વધુ છે. એકલા મુંબઈમાં ૧,૭૬૫ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, દિલ્હીમાં ૫૬૪ નવા કોવિડ કેસ નોંધાયા છે, જે ૧૫ મે પછી સૌથી વધુ છે, જ્યારે ચેપનો દર વધીને ૨.૮૪% થઈ ગયો છે. કોવિડ કેસમાં વધારો થવા પાછળ ઓમિક્રોનના પેટા વેરિઅન્ટ મ્છ.૪ અને મ્છ.૫ હોવાનું માનવામાં આવે છે. ભારતમાં અત્યાર સુધીમાં ૪,૩૧,૯૭,૫૨૨ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમાંથી ૪,૨૬,૪૦,૩૦૧ લોકો સંક્રમણ મુક્ત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં રસીના કુલ ૧,૯૪,૫૯,૮૧,૬૯૧ ડોઝ આપવામાં આવ્યા છે.ભારતમાં કોરોના વાયરસના ચેપની ઝડપ ફરી એકવાર વધવા લાગ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના નવા કેસોમાં ૪૦ ટકાનો વધારો નોંધાયો છે. આજે દેશમાં કોરોના ચેપના ૭૨૪૦ નવા કેસ નોંધાયા છે અને ૮ લોકોના મોત થયા છે. તે જ સમયે, ગઈકાલે ૫૨૩૩ નવા કોવિડ કેસ નોંધાયા હતા અને ૭ મૃત્યુ થયા હતા. દેશમાં સામે આવતા કોરોનાના નવા કેસોમાં મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, કર્ણાટક અને તમિલનાડુ સૌથી વધુ ભાગીદારી ધરાવે છે. આ રાજ્યોમાં કોવિડના મોટાભાગના કેસ બહાર આવી રહ્યા છે.

Follow Me:

Related Posts