ગુજરાત

દેશના વિવિધ રાજ્યોમાં લોકડાઉનના કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મરણતોલ ફટકો

ગયા વર્ષે કોરોના સંક્રમણના કારણે આ ઉદ્યોગને 15000 કરોડનું નુકશાન થયું હતું, 2021માં અન્ય રાજ્યોના વેપારીઓએ આપેલા ઓર્ડર કેન્સલ થઇ રહ્યાં છે.



કોરોના સંક્રમણ વધતાં ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફરી એકવાર મોટો ફટકો પડી રહ્યો છે. અગાઉ આપવામાં આવેલા ઓર્ડર કેન્સલ થઇ રહ્યાં છે. ખાસ કરીને સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ઓર્ડર કેન્સલ થવાથી વેપારીઓ પરેશાન છે.


દેશના મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યોમાં લોકડાઉન શરૂ થતાં સુરતના ટેક્સટાઇલ માર્કેટને ફટકો પડ્યો છે. ગયા વર્ષે કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનના કારણે આ ઉદ્યોગને 15000 કરોડનું નુકશાન થયું હતું, આ વખતે પણ નુકશાન શરૂ થયું છે.


એપ્રિલ મહિનામાં સુરતના ટેક્સટાઇલ વેપારીઓ ઓર્ડર લેવામાં અને ડિલીવરી કરવામાં વ્યસ્ત હોય છે પરંતુ આ વખતે દેશના કેટલાક રાજ્યોમાં લોકડાઉન શરૂ થતાં આપવામાં આવેલા ઓર્ડર કેન્સલ થઇ રહ્યાં છે. ગુજરાતમાં લોકડાઉન નહીં હોવા છતાં બિઝનેસને 20 ટકા ફટકો પડ્યો છે.


ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનના પ્રમુખ મનોજ અગ્રવાલ કહે છે કે સામાન્ય રીતે માર્ચ, એપ્રિલ અને મે મહિના એવા છે કે અમારો વ્યાપાર વધે છે. ગયા વર્ષે આ મહિનામાં બિઝનેસ થયો ન હતો પરંતુ તહેવારોની સિઝનમાં અમે માર્કેટ રિકવર કરી લીધું હતું પરંતુ 2021માં આ મહિનાઓમાં અમારા ઓર્ડર કેન્સલ થઇ રહ્યાં છે.


સામાન્ય રીતે ઓર્ડર તૈયાર કરવામાં અને ડિસ્પેચ કરવામાં 15 થી 20 દિવસનો સમય થાય છે. આ સમયગાળા દરમ્યાન દેશના જે રાજ્યોમાં અમારા ઓર્ડર હતા તે લોકડાઉનના કારણે કેન્સલ થયા છે. એક તરફ વેપારીઓના ઓર્ડર કેન્સલ થયા છે ત્યારે બીજીબાજુ ટ્રાન્સપોર્ટરોએ પણ બુકીંગ બંધ કર્યું છે. મહામારી પહેલાં નિયમિત કાપડના માલથી ભરેલી 400 ટ્રકો સુરત બહાર જતી હતી જેની સંખ્યા ઘટીને હવે 70 થઇ છે. વેપારીઓના ગોડાઉન ભરાઇ ગયા છે.


સુરત ટેક્સટાઇલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ યુવરાજ દેસાલે કહ્યું હતું કે રાજ્ય સરકારે કરેલા લોકડાઉન અથવા સ્વયંભૂ લોકડાઉનના કારણે અન્ય રાજ્યોના માર્કેટ બંધ છે. અન્ય રાજ્યોના વેપારીઓ અમારી પાસેથી માલ લઇ રહ્યાં નથી. આગામી સપ્ટેમ્બર પહેલાં રિકવરી થાય તેવી અમને આશા નથી.

Follow Me:

Related Posts