દેશની દુર્દશા અગાઉ ક્યારેય જોઈ નથી. આપઘાત કરતા ખેડૂતો રોજગાર માટે ભટકતા નવયુવાનો આબરૂ બચાવવા માટે હેરાન થતી મા-બહેનો. મોંઘવારીના મારના કારણે ભુખથી તડપતા લોકોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો પ્રધાનમંત્રીશ્રી ગેસ નો બાટલો ૧,૦૦૦ નો આ છે આત્મનિર્ભર ભારત ?
લાઠી. કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના કારણે જ દેશની અર્થવ્યવસ્થા ચાલે છે.અર્થવ્યવસ્થા બચાવવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપી, ખેડૂતોનું શહેરોમાં થતું સ્થળાંતર રોકી,કૃષિ ક્ષેત્રને બચાવવાના પ્રયત્નો સરકારે કરવા જોઈએ.સૌનો સાથ, સૌનો વિકાસ’ની માત્ર વાતો જ નહીં, ખેડૂતોને પણ સમાન હક્ક મળવા જોઈએ અને ખેડૂતોની આવકમાં પણ સમાન વધારો થવો જોઈએ : ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરખેડૂતોની આજની પરિસ્થિતિ મુદ્દે પ્રતિક્રિયા આપતાં અમરેલી જિલ્લાના લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્યશ્રી વિરજીભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું કે, આજે આપણે જોઈ રહ્યા છીએ તેવી દેશની દુર્દશા અગાઉ ક્યારેય જોઈ નથી. આપઘાત કરતા ખેડૂતો, રોજગાર માટે ભટકતા નવયુવાનો, આબરૂ બચાવવા માટે હેરાન થતી મા-બહેનો, મોંઘવારીના મારના કારણે ભુખથી તડપતા લોકોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. માનનીય પ્રધાનમંત્રીશ્રી અવારનવાર આત્મનિર્ભરની વાતો કરે છે ત્યારે શું આ જ છે આત્મનિર્ભર ભારત ? ગેસ સિલિન્ડરના ભાવ ૧,૦૦૦ થયા છે તે ૨,૦૦૦ થશે, પરંતુ ગામના છાણાથી જ જો પોતાના ઘરના ચુલા પ્રગટાવશો ત્યારે જ બનશે આત્મનિર્ભર ભારત ?શ્રી વિરજીભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના કારણે જ કોઈપણ દેશની અર્થવ્યવસ્થા ચાલે છે. હિન્દુસ્તાન એ ખેતીપ્રધાન દેશ છે. હિન્દુસ્તાનની પ્રગતિ અને જીડીપીના વિકાસમાં ખેડૂતોનો બહુ મોટો ફાળો છે.
આજે અમેરિકા, યુરોપ અને ભારતમાં જે ઈકોનોમીક્સની ડીઝાઈન છે, તે જ બતાવે છે કે કૃષિ ક્ષેત્રને ખતમ કરવાનું કાવતરું છે. અમેરિકામાં ખેડૂત ખતમ થઈ ચૂક્યા છે, દેશની કુલ વસ્તીના ૨%થી ઓછા લોકો ખેતી કરે છે. યુરોપમાં દર મિનિટે એક ખેડૂત ખેતી મૂકી જઈ રહ્યો છે. નેશનલ સ્કીલ પોલીસીના ડોક્યુમેન્ટમાં જણાવ્યા મુજબ, હિન્દુસ્તાનમાં ૫૭% લોકો સીધા ખેતી સાથે જોડાયેલા છે, તેમાંથી પહેલાં ૧૮% લોકોને અને હવે ૨૦૨૨ સુધીમાં ૩૦% લોકોને શહેરી વિસ્તારમાં લઈ આવવાની વાત છે. શહેરોમાં શ્રમિકોની જરૂર હોઈ ખેતીમાંથી લોકોને કાઢીને શહેરોમાં લાવવાની હિલચાલ ચાલી રહી છે. ખેડૂતોને શહેરોમાં લાવીને ખેતીથી બેદખલ કરવા માટે સમજી-વિચારેલી રાજનીતિનો એક હિસ્સો જ છે. સરકારે ખેડૂતોને પ્રોત્સાહન આપી, ખેડૂતોનું શહેરોમાં થતું સ્થળાંતર રોકી, કૃષિ ક્ષેત્રને બચાવવાના પ્રયત્નો કરવા જોઈએ તેવી માંગણી શ્રી ઠુમ્મરે કરી હતી.ખેડૂતોને થતા અન્યાય અંગે વાત કરતાં શ્રી ઠુમ્મરે જણાવ્યું હતું કે, ૧૯૭૦ માં ઘઉંના ભાવ રૂ. ૭૬/- પ્રતિ ક્વિન્ટલ હતા, જે વર્ષ ૨૦૧૫માં ૪૫ વર્ષ પછી વધીને રૂ. ૧,૪૫૦/- પ્રતિ ક્વિન્ટલ થયા. આ જ ૪૫ વર્ષના સમયગાળામાં સરકારી કર્મચારીના બેઝીક પે અને ડીએ ૧૨૦થી ૧૫૦ ગણા વધ્યા, શાળાના શિક્ષકોના પગાર ૨૮૦થી ૩૨૦ ગણા વધ્યા, કોલેજો-યુનિવર્સિટીઓના પ્રોફેસરોના પગાર ૧૫૦થી ૧૭૦ ગણા વધ્યા, પરંતુ આ ૪૫ વર્ષના સમયગાળામાં ઘઉંના ભાવથી કે ધાનના ભાવથી જોઈશું તો તે ૧૯ ગણા વધ્યા છે. જો સરકારી કર્મચારીઓના પગાર માત્ર ૧૯ ગણા વધ્યા હોત તો તે આજે નોકરી છોડી ચૂક્યા હોત. ખેડૂતોની આવક ૧૦૦ ગણી વધી ગણીએ તો પણ ખેડૂતોને રૂ. ૧,૪૫૦/-ના બદલે રૂ. ૭,૬૦૦/- પ્રતિ ક્વિન્ટલ ઘઉંના મળવા જોઈતા હતા, આ ખેડૂતોનો હક્ક છે, પરંતુ ખેડૂતોને તેમનો હક્ક મળતો નથી.
ખેડૂતને ગરીબના ગરીબ જ રાખવામાં આવ્યા છે. સરકારી કર્મચારીઓની આવક વધે તેમાં કોઈ વાંધો હોઈ શકે નહીં પરંતુ ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ની વાતો સરકાર કરે છે ત્યારે ખેડૂતોને પણ સમાન હક્ક મળવા જોઈએ અને ખેડૂતોની આવકમાં પણ સમાન વધારો થવો જોઈએ.શ્રી વિરજીભાઈએ જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓને સમયાંતરે પગારપંચના લાભ મળે છે, પરંતુ ખેડૂતને આવા કોઈ લાભ મળતા નથી. શ્રી વિરજીભાઈ ઠુમ્મરે પ્રશ્નો ઉપસ્થિત કરતાં જણાવ્યું હતું કે, શું ખેડૂતને ક્યારેય હાઉસ રેન્ટ મળે છે ? ક્યારેય એજ્યુકેશન ગ્રેડ મળે છે ? ક્યારેય મેડીકલ/હેલ્થ એલાઉન્સ મળે છે ? સરકારી કર્મચારીઓને કપડા ધોવા માટે વોશીંગ એલાઉન્સના નામે દર વર્ષે મોટી રકમ મળે છે, ત્યારે શું ખેડૂતો પાસે કપડાં નથી હોતા ધોવાના ? સરકારી કર્મચારીઓને મળતી વોશીંગ એલાઉન્સની રકમની ગણતરી ખેડૂતોને મળતી મીનીમમ સપોર્ટ પ્રાઈઝમાં ક્યારેય કરવામાં આવી છે ? મીનીમમ સપોર્ટ પ્રાઈઝમાં માત્ર ખેડૂતની લાગત અને ફેમીલી લેબરને ગણવામાં આવે છે. ખેડૂતોને મળતી મીનીમમ સપોર્ટ પ્રાઈઝમાં હાઉસ રેન્ટ, મેડીકલ એલાઉન્સ, એજ્યુકેશન ગ્રેડ વગેરેની ગણતરી કરવી જોઈએ તેવું સૂચન શ્રી વિરજીભાઈ ઠુમ્મરે કર્યું હતું.ભાજપ સરકાર જગતનો તાત, જગતનો તાત એવી માત્ર વાતો જ કરીને જાણે ખેડૂતોની સતત ચિંતા કરતી હોય તેવો દેખાડો જ માત્ર કરે છે. સરકારની ખોટી નીતિઓના કારણે આજે ખેડૂતો મોતને ઘાટ ઉતરી રહ્યા છે. ખેડૂતોએ આત્મવિલોપન કરવું પડે છે. ભાજપના રાજમાં વધારેમાં વધારે ખેડૂતોએ આત્મવિલોપન કર્યા છે. સરકાર દ્વારા ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના દેવા માફ કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોના દેવા માફ કરવા માટે સરકાર મક્કમ નથી. સરકાર પાસે કોર્પોરેટ ક્ષેત્ર માટે પૈસા છે, પરંતુ ખેડૂતો માટે નથી, તે સાબિત થાય છે. કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કર્યા હતા, તેવી જ રીતે ભાજપ સરકારે પણ ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા જોઈએ તેવી માંગણી શ્રી વિરજીભાઈ ઠુમ્મરે કરી હતી.ખેડૂત દેશ ઉપર બોજ છે અને તેના ઉપર દાન કરતી હોય તેમ માનીને સરકાર ચાલે છે, પરંતુ ખેડૂતોને સરકાર દાન નથી કરતી, પરંતુ ખેડૂતોને નીચોવી રહી છે. ખેડૂતોના કારણે દેશની અર્થવ્યવસ્થા ચાલે છે ત્યારે જ્યાં સુધી અર્થવ્યવસ્થાના ઢાંચાને જોવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતને આટલાં વર્ષોથી માર કેમ પડી રહ્યો છે તે સમજાશે નહીં તેમ અંતમાં શ્રી વિરજીભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું.
Recent Comments