દેશમાં કોરોના અનસ્ટોપેબલઃ ૩૪ જિલ્લામાં ૧૦ દિવસમાં બમણી સ્પીડથી ફેલાયું સંક્રમણ
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ જાણે ફરીથી માથું ઊચકી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં લગભગ ૧૮૦થી વધુ જિલ્લાઓમાં કોરોના દર્દીઓની સંખ્યા મળવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જાેકે તેમાં ૩૪ જિલ્લા એવા છે જેમાં સંક્રમણ ફેલાવાની ૧૦ દિવસમાં ઝડપ ડબલ થઈ ગઈ છે. તેમાં સૌથી વધુ મહારાષ્ટ્રના ૬ જિલ્લા, પંજાબના ૫ જિલ્લા, કેરળ અને ગુજરાતના ૪-૪ જિલ્લા તથા મધ્ય પ્રદેશના ૩ જિલ્લા સામેલ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૮૦,૦૫,૫૦૩ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૬,૮૩૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૧૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૧,૭૩,૭૬૧થઈ ગઈ છે. કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૮ લાખ ૩૯ હજાર ૮૯૪ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૩,૮૧૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૭૬,૩૧૯ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૭,૫૪૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૪ માર્ચ સુધીમાં ભારતમાં કુલ ૨૧,૯૯,૪૦,૭૪૨ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરુવારના ૨૪ કલાકમાં ૭,૬૧,૮૩૪ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૪૮૦ કેસ નોંધાયા છે. જેની સામે ૩૬૯ દર્દીઓ સાજા થયા છે. ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૪૪૧૨ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૭.૩૬ ટકા છે. અત્યાર સુધીમાં ૧૧,૦૯,૫૧૫ વ્યક્તિઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અને ૨,૪૫,૦૧૦ વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજાે ડોઝ આપવામાં આવ્યો છે. આજે ૬૦ વર્ષથી વધારે વય ધરાવતા તેમજ ૪૫થી ૬૦ વર્ષ વયના ગંભીર બીમારી ધરાવતા ૧,૦૧,૯૯૧ વ્યક્તિઓનું રસીકરણ થયું છે. આ રસીના કારણે એકપણ ગંભીર આડઅસર જાેવા મળી નથી. ગુજરાતમાં અત્યારે કુલ ૨૭૪૯ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૪૦ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૨૭૦૯ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૬૪૫૬૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશમાં મે સુધી પહેલા ધોરણથી પાંચમા ધોરણના ક્લાસ બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. એમપીના સ્કૂલ શિક્ષણમંત્રી ઈન્દર સિંહ પરમારે આ વાત જણાવી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં ૬થી ૮માં ધોરણના ક્લાસ વિશે પણ ટૂંક સમયમાં ર્નિણય લેવામાં આવશે. મધ્યપ્રદેશમાં ભોપાલ અને ઈન્દોરમાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં અત્યારસુધીમાં ૨ લાખ ૬૨ હજાર ૮૫૦ લોકો સંક્રમિત થયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે કોરોનાની વેક્સિન લીધી છે. તેમણે દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં પહેલો ડોઝ લગાવ્યો છે. ૫૨ વર્ષના કેજરીવાલ ૧૦ વર્ષથી ડાયાબિટીસના દર્દી છે. તેમના પેરન્ટ્સે પણ વેક્સિન લીધી છે. બધાને કોવિશીલ્ડ વેક્સિન આપવામાં આવી છે.
Recent Comments