દોઢ વર્ષના બાદ ૫ હજારથી વધુ ઘરવિહોણા પરિવારોના ઘરના ઘરનું સપનું પૂર્ણ થશે
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ૨૦૧૯ની દિવાળી વખતે રૂ.૩૦૦ કરોડથી વધુના ખર્ચે અમદાવાદ શહેરમાં ઘરવિહોણા પરિવારો માટે ઈડબલ્યુએસ ફેઝ ૫ના ૫,૦૪૮ મકાનોનો ડ્રો કરવામાં આવ્યો હતો પણ પછી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અને કોરોના મહામારીના કારણે ડ્રો થયા બાદ પણ કોઇ આગળની કાર્યવાહી થઇ શકી ન હતી. હવે દોઢ વર્ષના લાંબા સમયગાળા બાદ ૫,૦૦૦થી વધુ ઘરવિહોણા પરિવારોના ઘરના ઘરનું સપનું પૂર્ણ થશે. અમદાવાદ મ્યુનિ.એ તાજેતરમાં ઈડબલ્યુએસ ફેઝ-૫ના લાભાર્થીઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરી છે. આમ, અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણી બાદ આ તમામ લાભાર્થીઓને ઘરનું ઘર મળી શકશે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ અમદાવાદ શહેરમાં ઘરવિહોણા પરિવારો માટે ઈડબલ્યુએસ અને એલઆઈજીના મકાનો આપવાની જાહેરાત કરી હતી.
૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી બાદ ઈડબલ્યુએસ અને એલઆઈજીના ૧૦ હજાર મકાન બાંધવામાં આવ્યા હતા. રૂ.૨૯૧.૧૨ કરોડના ખર્ચે ઈડબલ્યુએસના ૫૧૫૮ મકાન બાંધ્યા હતા જ્યારે રૂ.૫૧૧.૬૨ કરોડના ખર્ચે ન્ૈંય્ના ૪૯૮૫ મકાનો બાંધ્યા હતા પછી એલઆઇજી મકાનોમાં અરજદારોનો ઓછો ધસારો છે તેમ કહી આ યોજના બંધ કરી દીધી હતી પછી માત્ર ઈડબલ્યુએસ મકાનો બાંધવાનું શરૂ કરાયું હતુ. જેમાં ઈડબલ્યુએસ ફેઝ-૨થી ઈડબલ્યુએસ ફેઝ-૬ સુધીમાં ૨૫,૯૦૦ મકાનો બાંધવાની જાહેરાત કરાઇ હતી જેની પાછળ રૂ.૧૭૯૭.૩૩ કરોડનો ખર્ચ નક્કી કરાયો છે જે પૈકી ઈડબલ્યુએસ ફેઝ-૨થી ૪ સુધીના મકાનોનું પઝેશન અપાઇ ચૂક્યું છે જ્યારે ફેઝ-૫નો દિવાળીમાં ડ્રો કરાયો હતો જેનું ડોક્યુમેન્ટ વેરિફીકેશન કરાઇ રહ્યું છે.
ચૂંટણી બાદ ૫૦૪૮ લાભાર્થીઓને મકાન મળી શકશે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા અમદાવાદ શહેરમાં ઘરવિહોણા પરિવારો માટે ૨૦ હજાર જેટલા મકાનો બાંધવાની યોજના બનાવી હતી. અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણી પહેલાં તેના ફોર્મ ભરાવવાના હતા પણ કોરોનાની મહામારીના કારણે આ શક્ય બની શક્યું ન હતુ. હવે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ ૨૦ હજાર જેટલા મકાનો માટે અરજીઓ મંગાવવામાં આવશે.
Recent Comments