દ્રૌપદી મુર્મૂ ચૂંટણી જીતતા બન્યા આ પાંચ રેકોર્ડ
૧૫મા રાષ્ટ્રપતિ માટે ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ મોટી જીત હાસિલ કરી છે. વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હાએ પોતાની હાર સ્વીકારી લીધી અને મુર્મૂને શુભેચ્છા આપી છે. તેમણે કહ્યું કે આશા છે કે તમે કોઈ ભય અને પક્ષપાત વગર બંધારણના સંરક્ષક બનીને કાર્ય કરશો. તો દ્રૌપદી મુર્મૂ દેશના સર્વોચ્ચ પદ પર પહોંચનાર સૌથી યુવા આદિવાસી મહિલા બની ગયા છે. આ જીતની સાથે તેમણે ઈતિહાસ રચી દીધો છે. દેશને વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કે આર નારાયણનના રૂપમાં બે દલિત રાષ્ટ્રપતિ મળી ચુક્યા છે પરંતુ દ્રૌપદી મુર્મૂ દેશના પ્રથમ આદિવાસી નેતા છે જે આ સર્વોચ્ચ પદ પર પહોંચ્યા છે. આજ સુધી દેશમાં કોઈ આદિવાસી ન પ્રધાનમંત્રી રહ્યા ન ગૃહમંત્રી.
ઓડિશામાં જન્મેલા દ્રૌપદી મુર્મૂ ૨૦૧૫થી ૨૦૨૧ સુધી ઝારખંડના રાજ્યપાલ રહ્યા હતા. ખાસ વાત છે કે તે એવો પ્રથમ મહિલા રાજ્યપાલ હતા જેમણે ઝારખંડમાં પોતાનો કાર્યકાળ પૂરો કર્યો હતો. દ્રૌપદી મુર્મૂનો જન્મ ૨૦ જૂન ૧૯૫૮ના થયો હતો. ૨૫ જુલાઈએ તેમની ઉંમર ૬૪ વર્ષ ૧ મહિનો અને ૮ દિવસ હશે. દ્રૌપદી મુર્મૂ હવે દેશના સૌથી યુવા રાષ્ટ્રપતિ હશે. આ પહેલા રેકોર્ડ નીલમ સંજીવ રેડ્ડીના નામે હતો. તે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમની ઉંમર ૬૪ વર્ષ બે મહિના અને ૬ દિવસ હતી. તે બિનહરીફ રાષ્ટ્રપતિ બન્યા હતા. તો સૌથી વધુ ઉંમરમાં રાષ્ટ્રપતિ બનનાર કે આર નારાયણનનું નામ છે. તેઓ ૭૭ વર્ષ ૫ મહિના ૨૧ દિવસની ઉંમરે રાષ્ટ્રપતિ બન્યા હતા. દ્રૌપદી મુર્મૂ એવા પ્રથમ રાષ્ટ્રપતિ હશે જેમણે આઝાદ ભારતમાં જન્મ લીધો છે. અથવા તેમ કહી શકીએ કે ભારત ગણતંત્રમાં જન્મ લીધો છે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો જન્મ ૧ ઓક્ટોબર ૧૯૪૫ના થયો હતો.
નોંધનીય છે કે ૨૦૧૪ સુધી જેટલા પ્રધાનંમત્રી અને રાષ્ટ્રપતિ બન્યા, બધાનો જન્મ આઝાદી પહેલા થયો હતો. પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદીનો જન્મ ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦ના થયો હતો. તે આઝાદ ભારતમાં જન્મેલા પ્રથમ પ્રધાનમંત્રી છે. દેશમાં અત્યાર સુધી જે ૧૪ રાષ્ટ્રપતિ થયા છે, તેમાંથી ૭ દક્ષિણ ભારતથી હતા. તો ડો. રાજેન્દ્ર પ્રસાદ એવા રાષ્ટ્રપતિ હતા જે બે વખત રાષ્ટ્રપતિ બન્યા અને તે બિહારના હતા. દ્રૌપદી મુર્મૂ ઓડિશાના પ્રથમ એવા નેતા છે, જે આ સર્વોચ્ચ પદ પર પહોંચ્યા છે. તે દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ છે.
૨૦૦૭મા પ્રતિભા દેવી સિંહ પાટિલ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા હતા. દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ બનનાર એવા પ્રથમ એવા નેતા છે જે પાર્ષદ રહી ચુક્યા છે. દ્રૌપદી મુર્મૂ સૌથી પહેલા એક શિક્ષક હતા. ત્યારબાદ તેઓ રાજનીતિમાં આવ્યા અને ૧૯૯૭માં પાર્ષદ બન્યા. તેના ત્રણ વર્ષ બાદ તે વિધાનસભા પહોંચ્યા હતા. તેઓ ઓડિશા સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. તો તે રાજ્યપાલ બનનાર દેશના પ્રથમ આદિવાસી મહિલા હતા.
Recent Comments