fbpx
સૌરાષ્ટ - કચ્છ

દ્વારકામાં કેસરી ધ્વજ સળગાવવા મુદ્દે ૧ ઈસ્મની અટકાયત બાદ પોલીસ મથકે લોકો ઉમટ્યા

યાત્રાધામ દ્વારકામાં રામનવમી નિમિતે દર વર્ષની જેમ ભગવાન રામજીની શોભાયાત્રાનુ આયોજન થયુ હતુ.જેમાં વિવિધ સંસ્થાઓ, યુવા કાર્યકરોની ટીમો દ્વારા આયોજીત શોભાયાત્રા મુખ્ય માર્ગ તિન બતી ચોક, હોમ ગાર્ડ, જાેધાભા ચોક અને ભથાણ ચોકથી પસાર થઇ રામ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. જે બાદ શોભાયાત્રાના રૂટ એવા ભથાણ ચોક વિસ્તારમાં જામા મસ્જિદ પાસે એક કેસરી ધ્વજ પડી ગયો હતો જેને સ્થાનિક રહીશ તાહિર કારાણી તથા અન્ય પાંચથી છ જેટલા શખસોએ સળગાવ્યાનો બનાવ બહાર આવતા જ શાંતિપુર્ણ વાતાવરણમાં પલિતો ચંપાયો હતો.જે બનાવનો વિડીયો પણ સોશિયલ મિડીયામાં વાયરલ થતા જ ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા અને દ્વારકાના પોલિસ સ્ટેશને દોડી ગયા હતા અને આરોપી શખ્સ સામે કડક પગલા લેવાની માંગણી પણ કરવામાં આવી હતી.

જયારે દ્વારકા પોલીસ પણ ત્વરીત હરકતમાં આવી પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા જયારે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય પણ સંબંધિત સામે ગુનો નોંધવા માટે સુચના આપી હતી. જેના પગલે આ સમગ્ર બનાવ મામલે નિલેશ શાર્દુલભા સુમણીયાની ફરીયાદ પરથી દ્વારકા પોલીસે તાહિર હુશેન કારાણી તથા અજાણ્યા પાંચથી છ શખસો સામે ગુનો નોંધ્યો હતો. જે ફરીયાદમાં આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે કેશરીયો ધ્વજ સળગાવી હિન્દુ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય અને બંને કોમ વચ્ચે વૈમનસ્ય ઉભુ થાય તેવા હેતુથી સુલેહશાંતિ ભંગ થાય તેવા કૃત્ય આચર્યાનુ જાહેર કરવામાં આવ્યુ છે. આ ચકચારી બનાવ બનતા પોલીસ દ્વારા સમગ્ર દ્વારકા પંથકમાં મજબૂત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.જયારે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા એક નિવેદન જારી કરી અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.પોલીસે આરોપી તાહિરની અટકાયત કરી અન્ય આરોપીઓની તપાસ હાથ ધરી છે.બીજી બાજુ રવિવાર મધરાત બાદ સમગ્ર મામલો થાળે પડયો હતો.

Follow Me:

Related Posts