વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ધર્માંતરણનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. આથી આજે દક્ષિણ ગુજરાત બારી બારીયા સમાજના આગેવાનોએ વલસાડ જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા વલસાડ જિલ્લામાં થઈ રહેલી ધર્માંતરણની પ્રવૃત્તિને રોકવા માટે માંગ કરી હતી. લોકોને લોભ લાલચ આપી અને ગેરમાર્ગે દોરી ગેરકાયદેસર થતી આવી ધર્માંતરણની પ્રવૃત્તિમાં જાેડાયેલા ખ્રિસ્તી મિશનરીઓને શોધી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
થોડા દિવસ અગાઉ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મરોલી દાંડી ગામના બારી બારીયા સમાજના એક જ પરિવારના એક સાથે સાત સભ્યો હિંદુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ અપનાવી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. મરોલીના દાંડીના ચર્ચમાં થયેલી આ બારીયા સમાજના પરિવારની ધર્માંતરણની વિધિને લઇ મોટો વિવાદ થયો હતો. આથી પોલીસ તપાસ પણ શરૂ કરવામાં આવી હતી.
જાેકે આ સિવાય પણ આ ગામના ૪૦ થી વધુ બારી બારીયા સમાજના પરિવારોનું ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે આજે બારી બારીયા સમાજના આગેવાનો કલેકટરને મળ્યા હતા અને આવેદન પત્ર આપ્યું હતું. મુખ્યમંત્રીને સંબોધીને લખેલા આવેદનપત્રમાં જિલ્લામાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા થઈ રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવાની માંગ કરી હતી.
Recent Comments