ગુજરાત

ધાબાડુંગરી નવાડ ગામમાં ખેતરની દિવાલ ધરાશાયીઃ માતા-પુત્રના મોત

હાલોલ-પાવાગઢ રોડ પર આવેલા ધાબાડુંગરી નવાડ ગામમાં ચાલુ વરસાદમાં ખેતરની દીવાલ શ્રમજીવી પરિવારના કાચા મકાન પર પડતા માતા અને પુત્રના મોત થયા હતા. આ દુર્ઘટનામાં યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે તેની માતાને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર બાદ વડોદરા એસએસજી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાઇ હતી, તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર સહિત આદિવાસી સમાજમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

હાલોલના નવાડ ગામમાં રહેતા અને મજુરી કરીને ગુજરાન કરતા કાંતાબેન દર્શનભાઈ રાઠવા અને પુત્ર દિલીપ દરસનભાઇ રાઠવા(ઉ.૨૧), આરતી દિલીપ રાઠવા(ઉ.૧૯) મયુરી દિલીપ રાઠવા(ઉ.૯.માસ) ભારે વરસાદ વરસતા ઘરે હતા. દરમિયાન રાત્રે આઠેક વાગ્યાના સુમારે કાંતાબેનના ઘરની બાજુમાં આવેલા ખેતરની ઊંચી દીવાલ અચાનક ઘર પર પડતા દીવાલના કાટમાળ નીચે કાંતાબેન અને તેમનો પુત્ર દિલીપ દબાઇ ગયા હતા અને બન્નેને ગંભીર ઇજાઓ પહોંચતા દિલીપનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

જ્યારે કાંતાબેન અને નવ માસની મયુરીને સારવાર માટે હાલોલની રેફરલ હોસ્પિટલ માં ખસેડાયા હતા, જ્યાં કાંતાબેનની હાલત નાજુક થતાં તેમને વડોદરા રિફર કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

Related Posts