ધારદાર દોરાઓથી અબોલ પશુઓને પીડા.
મકરસક્રાંતિ નજીક આવતા ઠેર ઠેર ધારદાર દોરાના ઘૂંચળાઓ અને ફાટેલી પતંગો જોવા મળે. આ દોરીઓ મુંગા અબોલ પ્રાણીઓ આરોગે એટલે તેના પેટમાં દોરા હજમ કરવા મુશ્કેલ બને છે. કાચવાળા દોરા ખાવાથી ગળામાં, આંતરડામાં વ્યાપક નુકસાન, આફરો ચડ્યા બાદ મોતને પણ ભેટી શકે છે. ગાય માતા દોરા ન ખાઈ તે માટે છેલ્લા ત્રણેક વર્ષથી જૈન સમાજના અગ્રણી અને ગૌભક્ત દોરાની ઘુંચો ખરીદી તેનો નાશ કરી રહ્યા છે. સાવરકુંડલા શહેરમાં ઘણી જગ્યાઓ પર મકરસંક્રાંતિ નજીક હોવાથી કાચ સાથે માંજેલા ધારદાર દોરાઓ અને તેના ઘુંચળાઓ જોવા મળતા હોય છે.
જે ગૌવંશ પ્રાણીઓ ખાવાથી હજમ કરવા ખૂબ જ મુશ્કેલ હોય છે તેના હિસાબે આ અબોલ પ્રાણીઓને અસહ્ય પીડાઓ સહન કરવી પડે છે. પતંગના ધારદાર દોરાઓ કાચ અને કલર સાથે માંઝેલા હોવાથી તેને આરોગતા અબોલ પ્રાણીઓની જીભ અને ગળાના ભાગે વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ શકે છે. પરિણામસ્વરૂપે તેમને અન્ય કોઈપણ ખોરાક ગળા નીચે ઉતારવો ખૂબ જ મુશ્કેલ થાય છે તેમજ જીભ અને ગળામાં લોહી પણ નીકળવાની સંભાવના હોય છે. આ ગુંચવાળા દોરી ખાધા બાદ તેમના આંતરડામાં ભરાઈ જાય છે જેથી તેમને અસહ્ય પીડા ભગોવવી પડે છે દોરા પેટમાં ગયા બાદ હજમ ન થતા હોવાથી તેમને અન્ય ખોરાક પણ હજમ થવા દેતો નથી તેમજ તેમને આફરો ચડ્યા બાદ ગાયો મોતને પણ ભેટી શકે છે.
મુંબઈ સ્થિત મૂળ સાવરકુંડલાના રહેવાસી જૈન સમાજના અગ્રણી તથા ગૌસેવક જયેશભાઈ સતિષભાઈ માટલીયા પોતાના વતન સાવરકુંડલા તાલુકામાં મકરસંક્રાંતિ પર છેલ્લા ઘણા વર્ષોથી પતંગના દોરાઓના ઘુંચળાઓની ખરીદી કરતાં જોવા મળે છે. અને આ દોરાના ગૂંચળાઓને એકઠા કરી તેને સળગાવી નાશ કરવામાં આવે છે. દોરા એકઠા કરી લાવનારા ગરીબ લોકોને પૈસા મળી રહે. એટલે એક તરફ રોજગારીનું સર્જન અને બીજી તરફ મુંગા અબોલ ગૌમાતાને તકલીફથી બચાવવાનું અભિયાન આમ તેમના તરફથી બંને બાબતોથી પુણ્ય કાર્ય થાય છે જે ખરેખર ખરેખર પ્રશંસનીય છે. જો કે હવે લોકોએ ખાસકરીને પતંગ રસિયાઓએ પણ આ બાબતે થોડી જાગૃતિ દાખવવાનો સમય આવી ચુક્યો છે. પતંગ ઉડાડતી વખતે પતંગની દોરી જ્યાં ત્યાં નહીં નાખતા ગુંચવાયેલ દોરીનો પોતે સ્યંમ જ તકેદારી રાખીને નાશ કરવો હિતાવહ છે.
ઘણીવખત ધારદાર દોરી કોઈ વાહન સવારના ગળે વિંટળાતાં ગળા આસપાસ ગંભીર ઈજા પણ થઈ શકે છે.. એટલે શક્ય હોય ત્યાં સુધી ધારદાર દોરાનો ઉપયોગ ટાળવો. અને આવી ધારદાર દોરીઓ રસ્તા વચ્ચે કે આસપાસ પડેલી જોવા મળે તો તેને ત્યાંથી લઈને યોગ્ય નિકાલ કરવો એ જ મકરસંક્રાંતિ નિમિત્તે કરેલું પુણ્ય કાર્ય જ ગણાય. જો આ બાબતે સમાજની દરેક વ્યક્તિ ગંભીર ચિંતન કરીને આ વાતને અમલમાં મૂકે તો જયેશભાઈ માટલીયા જેવા સેવાભાવી અને જીવદયાપ્રેમીની ચિંતાઓ ઘણી હળવી થઈ શકે ..
Recent Comments