ગુજરાત

ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ખૂદ બુટલેગરને ઉઘાડા પાડવાની શરૂઆત કરી

રાજ્યમાં દારૂબંધી તો છે, પરંતુ દરરોજ મોટા પ્રમાણમાં દારૂ ઝડપાઇ રહ્યો છે. દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં એનું વેચાણ થતું હોવાના દાવા વિપક્ષી પાર્ટી સહિતના લોકો કરે છે. ત્યારે વાવનાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દારૂબંધી મામલે આકરાપાણીએ છે. ગેનીબેન ઠાકોરે જનતા રેડ કરીને ભાભરથી કોતરવાડાની કેનાલ પાસેથી દારૂના જથ્થા સાથે બૂટલેગરને રંગેહાથે ઝડપી પાડ્યો છે. ૧૫ માર્ચના રોજ વિધાનસભામાં બૂટલેગરોનાં નામ જાહેર કર્યાં બાદ હવે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ખુદ બૂટલેગરને ઉઘાડા પાડવાની શરૂઆત કરી દીધી છે.

તેમણે ભાભરથી કોતરવાડાની કેનાલ પરથી એક પીક-અપમાં મોટી માત્રામાં હેરાફેરી થતો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ જનતા રેડમાં ગેનીબેન ઠાકોર સાથે આસપાસના યુવાનો પણ જાેડાયા હતા. હવે બનાસકાંઠા જિલ્લાના યુવાધનને જાે કોઈ બરબાદ કરવાનું વિચારશે તો તેને આવી રીતે જ સબક શિખવાડવામાં આવશે, સાથે પ્રશાસન અને પોલીસ સામે આરોપ કરતાં કહ્યું હતું કે મે ૧૫ માર્ચ ૨૦૨૨ના રોજ વિધાનસભામાં બૂટલગેરનાં નામ જાહેર કર્યાં હતાં, પણ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી અને જિલ્લા પોલીસ પણ બૂટલેગરો સાથે મળેલી હોવાના આરોપ કર્યા છે, સાથે રાજસ્થાન સરહદમાંથી મોટા પાયે બનાસકાંઠામાં દારૂની હેરાફેરી થતી હોવાની વાત કહી હતી. વિધાનસભામાં દારૂ અંગે વાત કરી હતી અને ગુજરાતના ગૃહમંત્રીએ ખાતરી આપી હતી કે અમે પગલાં લઈશું છતાં આ પ્રમાણે દારૂની બદીઓ ફૂલીફાલી છે.

પોલીસની રહેમ નજર હેઠળ બૂટલેગરો બેફામ બન્યા હોય કે પછી રાજ્યનાં મોટાં માથાંની રહેમ નજર હોય. વિધાનસભામાં ચર્ચા થયા પછી પણ બૂટલેગરો બનાસકાંઠાની અંદર આ રીતે દારૂ ઘુસાડે છે. રાજ્યના ગૃહમંત્રીને વિનંતી કરું છું કે આવા બૂટલેગરો બેફામ તમારા રાજ્યની અંદર છે અને પોલીસની રહેમ નજર છે, તો કંઇક પગલાં ભરવા વિનંતી છે. ભાભર અને આજુબાજુના વિસ્તારોમાં દારૂ સપ્લાય કરવામાં આવે છે, જેમાં ભાજપ સભ્યોના સંબંધીઓ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરે છે, પણ ન તો ગૃહ વિભાગ કોઈ કાર્યવાહી કરી રહ્યો છે ન તો પોલીસ.

Related Posts