અમરેલી

ધારીમાં સખી મંડળની મહિલાઓએ પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવી

રાજ્યને આગામી ૦૫ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક કૃષિ આધારિત ગુજરાત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મિશન મોડ પર પ્રયત્નો થઈ રહ્યા છે. આ અભિયાનને વેગ આપવા માટે અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.મહિલાઓને પ્રાકૃતિક કૃષિના આ ભગીરથ કાર્યમાં જોડી અને તેમને રસાયણમુક્ત ખેતી સાથે જોડવા માટે જિલ્લાભરમાં પ્રાકૃતિક કૃષિની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન અમરેલી જિલ્લાના ધારી સ્થિત એ.પી.એમ.સી ખાતે સખી મંડળની બહેનોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવશે.

આ તાલીમ અંતર્ગત મહિલાઓને પ્રાકૃતિક કૃષિ દ્વારા મૂલ્ય વર્ધન અંગે વિગતો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એસપીએનએફ એસોસિએશનના જિલ્લા સંયોજકશ્રી ભીખુભાઈ પટોળીયાએ જણાવ્યુ કે,  ધારી ખાતે ધારી શહેર અને આસપાસના ગામની સખી મંડળની બહેનોને આ તાલીમ આપવામાં આવી રહી છે. મહિલાઓ પોતાના પરિવારોને સમજ આપે અને પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવો પ્રયાસ છે. આ ઉપરાંત ખેતી કરતી મહિલાઓ પ્રાકૃતિક કૃષિ કરી અને તેના ઉત્પાદનોનું મૂલ્ય વર્ધન કરે ફક્ત ખેત પેદાશોને સીધી રીતે વેચવાના બદલે તેને બજારમાં વધુ ભાવે મળે તેવી રીતે તૈયાર કરી અને વેચે તે માટે પણ જરુરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. આ તાલીમ દ્વારા પ્રાકૃતિક કૃષિ થકી મહિલા સ્વાવલંબી અને આત્મનિર્ભર બને તેવો પણ એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ખેતીની માહિતી મળી શકે તેવા ઉદ્દેશ્યથી જિલ્લામાં ૨૧ સ્થાનો પર પ્રત્યેક ઠેકાણે ૩૦ મહિલાઓને એમ ૬૩૦ મહિલાઓને પ્રાકૃતિક ખેતી અને તેના દ્વારા તૈયાર થતી બનાવટો અંગે ખેડૂતો અને ટ્રેનરો પાસેથી તાલીમ આપવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતી અપનાવી અને અમરેલી જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો જોડાઈ રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં અમરેલી જિલ્લો પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે પણ અગ્રેસર બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.

Related Posts