ધારી આંબરડી સફારી પાર્ક ખાતે વન્યજીવ સપ્તાહ-૨૦૨૪ની ઉજવણી : વન્યજીવ અને પ્રકૃતિના સંરક્ષણ માટે આહ્વાન
તા.૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યટન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં ચાલુ સપ્તાહ એટલે કે વન્યજીવ સપ્તાહ-૨૦૨૪ની ઉજવણી શરુ છે.અમરેલી ગીર એ એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન છે. ગીરની એક આગવી ઓળખ એટલે એશિયાઇ સિંહનો આ વિસ્તારમાં વસવાટ! હવે, સિંહ સંવર્ધન પ્રત્યે જાગૃત્તિ વધતા અને સિંહોને આપવામાં આવતા સંરક્ષણને કારણે સિંહોની વસતીમાં ઉત્તરોતર વધારો થયો છે. વર્ષ ૨૦૨૦માં સિંહની વસતી વધીને ૬૭૪ થઈ છે.અમરેલીના ધારી આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર છે. ગીર પૂર્વ વન વિભાગ હેઠળની પ્રવાસન રેન્જ છે. નાયબ વન સંરક્ષક શ્રી રાજદીપ ઝાલાના માર્ગદર્શન હેઠળ વન્યપ્રાણી સપ્તાહ-૨૦૨૪ની ઉજવણી હાથ ધરવામાં આવી હતી.
આ ઉજવણીના ભાગરુપે ધારી આંબરડી સફારી પાર્ક ખાતે પ્રકૃતિપ્રેમી ચિત્રકાર શ્રી સુરેશભાઈ નાકરાણીના ‘વન્યજીવ’ પરના વિવિધ ચિત્રોનું ચિત્રપ્રદર્શન યોજાયું હતું. આ ચિત્ર પ્રદર્શન બે દિવસ સુધી ખુલ્લુ રહેશે. જિલ્લાની વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું. એક અંદાજ મુજબ આ ચિત્ર પ્રદર્શનને ૧ હજારથી વધુ લોકો નિહાળશે. ચિત્ર પ્રદર્શન થકી વન્યજીવ અને પ્રકૃતિના સંરક્ષણ માટે આહ્વાન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ૩૮૦ હેક્ટર વિસ્તારમાં વિકસિત થયેલ આ સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં ૬૨,૪૫૧ પ્રવાસીઓએ સફારી પાર્કની મુલાકાત લીધી હતી. ધારી આંબરડી સફારી પાર્ક ખાતે રિસેપ્શન ડેસ્ક, વેઇટીંગ એરિયા, ફૂડ કોર્ટ, વિશાળ પાર્કિંગ,વોટર અને સેનિટેશન સહિતની ઉત્કૃષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ છે. ફેરો સિમેન્ટથી બનેલ એશિયાનું વિશાળ એશિયાટિક સિંહનું પ્રાઈડ, બ્રોન્ઝ લાયન, મેટલ સિંહ, હરણ સહિતના સ્કલ્પચર અને એમ્ફી થિયેટર સહિતના આકર્ષણો પ્રવાસીઓને આકર્ષે છે. આવો, સૌ પ્રકૃતિના સાચા સંરક્ષક બનીને વન્યજીવ સપ્તાહ-૨૦૨૪ની ઉજવણીમાં ભાગીદાર બનીએ.
Recent Comments