ધોરાજીમાં સાવકા ભાઈના હાથે બહેનની હત્યા
ધોરાજીમાં સાવકા ભાઈના હાથે બહેનની હત્યા થયાનો બનાવ બન્યો છે. આ બનાવ પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યાસ્મીન રજાકભાઈ ઉર્ફે ગફાર શકરયાણી (સંધી) (ઉ.વ.15)ને તેના વિસ્તારમા જ રહેતા ફૈઝાન સાથે પ્રેમ સંબંધ હોય જે આરોપી સાવકા ભાઈ ફિરોઝ કાદરને પસંદ ન હોય પ્રેમી અને માતાની નજર સામે જ યાસ્મીનને છરીના 3 ઘા મારી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. આ હત્યાના બનાવ અંગે ધોરાજી પોલીસ મથકે મૃતક યાસ્મીનના માતા રેહાનાબેન (ઉ.40)એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલ આંબાવાડી કોલોનીમાં પરિવાર સાથે રહે છે. તેમના પહેલા લગ્ન આશરે 22 વર્ષ પહેલા કાદરભાઈ હુશેનભાઈ જોડે થયા હતા.
તે લગ્ન જીવનથી તેમને ફીરોઝ નામના પુત્રની પ્રાપ્તી થયેલી. બાદમાં કાદરભાઈ સાથે તલાક થઈ જતા અહીં આંબાવાડીમાં રહેતા રજાકભાઈ ઉર્ફે ગફાર ઓસમાણ શકરાણી (સંધી) સાથે આશરે 18 વર્ષ પહેલા લગ્ન થયા હતા. જે લગ્ન જીવનથી તેમને પુત્રી યાસ્મીનનો જન્મ થયેલો. જયારે પુત્ર ફીરોઝને તેઓ આંગડીયાત લાવ્યા હતા. ગઈકાલે રાત્રે આઠેક વાગ્યા પછી રેહાનાબેન અને યાસ્મીન પોતાના ઘરે હતા અને રસોઈ બનાવી રહ્યા હતા. ત્યારે ફીરોઝ આંબાવાડી કોલોનીમાં તેમના ઉપરના ફલેટમાં રહેતા ફૈઝાનને સાથે લાવ્યો હતો.
અને ઘરે રસોઈ બનાવી રહેલી બેનને ‘તુ આ ફૈઝાન સાથે ફોન પર કેમ વાતો કરે છે?’ તેમ કહી ઝઘડો-બોલાચાલી કરવા લાગેલો, જેથી યાસ્મીને કહ્યું કે ‘હું તેની સાથે વાત નથી કરતી’ આટલું કહેતા જ ઉશ્કેરાયેલા ફિરોઝે છરી કાઢી યાસ્મીનના પડખામાં અને શરીરના અન્ય ભાગોમાં ત્રણ ઘા માર્યા હતા. આ ઘટના રેહાનાબેન અને ફૈઝાને નજરો નજર જોઈ હતી. રેહાનાબેન આ ઘટનાથી દેકારો કરતા આસપાસ રહેતા લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં રહેતી યાસ્મીનને પ્રથમ તૈલી હોસ્પિટલ બાદ ધોરાજીની સરકારી હોસ્પિટલમાં લઈ જતા ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવથી ધોરાજીમાં ચકચાર મચી છે.
Recent Comments