ધો.૧૦-ધો.૧૨ ગુજરાત બોર્ડ પરીક્ષાઃ અમરેલી જિલ્લામાં ગુજરાત બોર્ડની પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા અને ગેરરીતિઓ અટકાવવા જાહેરનામું
આગામી તા.૧૧ માર્ચ-૨૦૨૪થી અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ધો.૧૦ અને ધો.૧૨ ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષા યોજાશે. જિલ્લામાં ૭૬ કેન્દ્રો પર ધો.૧૦ની પરીક્ષા અને ૪૧ કેન્દ્રો પર ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાશે. જિલ્લામાં ૧૦ કેન્દ્રો પર ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજાશે. જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ અને તંદુરસ્ત માહોલમાં પારદર્શીપણા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
માર્ચ-૨૦૨૪ દરમિયાન આગામી તા.૧૧ થી તા.૨૬ દરમિયાન પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક બાબતો થઈ શકશે નહિ. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ-ફેકસનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.
પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટુથ, ઈયરફોન, કેમેરા, લેપટોપ લઇ જવા પર પ્રતિબંધ રહેશે. પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવાં પર પ્રતિબંધ છે. પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષાર્થી કે તેના સાથે સંકળાયેલા કોઈ પણ કર્મચારી તેઓના મોબાઈલ પરીક્ષા બિલ્ડીંગમાં લઈ જઈ શકશે નહીં. અનિવાર્ય સંજોગોમાં સ્થળ સંચાલક પોતાનો મોબાઈલ લઈ જઈ શકશે પરંતુ મોબાઈલ જે તે સંસ્થાના આચાર્યશ્રીના રૂમમાં સેફ કસ્ટડીમાં રાખી તેનો દુરુપયોગ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે.
આ ઉપરાંત કોઈ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં, પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ પણ વસ્તુ ઈલેક્ટ્રોનિક આઈટમ/પુસ્તક, કાપલીઓ, મોબાઈલ ફોન, ઝેરોક્ષ નકલનું વહન કરવું નહીં કે કરાવવામાં મદદગારી કરવી નહીં. પરીક્ષા સ્થળના આસપાસના વિસ્તારમાં પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે માટે લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.
પરીક્ષા દરમિયાન દરેક કેન્દ્રના સંચાલકોએ શાળામાં ઝેરોક્ષ મશીન, સ્કેનર સીલ કરીને રાખવાના રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે ખરાઈ કરી અને આ બાબતનું પ્રમાણપત્ર કેન્દ્રના સંચાલક પાસેથી અચૂક મેળવી લેવાનું રહેશે. આ હુકમ તા.૧૧મી માર્ચ, ૨૦૨૪થી સવારે ૯.૦૦ કલાકથી તા.૨૬ માર્ચ સાંજે ૬.૪૫ કલાક સુધી અમલી રહેશે. રજાના દિવસો તા.૧૭ માર્ચ, ૨૦૨૪ રવિવાર, તા.૨૪ માર્ચ, ૨૦૨૪ રવિવાર, તા.૨૫ માર્ચ, ૨૦૨૪ સોમવારે અમલી થશે નહીં. આ જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ સજાપાત્ર છે.
જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંબંધિત દરેક પરીક્ષાના કેન્દ્રના કેન્દ્ર સંચાલકશ્રીઓ તથા અમરેલી જિલ્લા પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ, સંચાલનના કામ માટે ફરજ પર રોકાયેલા અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, જાહેર માર્ગ પર પસાર થતાં વાહનોમાં બેસેલા મુસાફરો, સ્થાનિક સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, તાલુકા મામલતદારશ્રીને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે.
એસ.એસ.સી.ની પરીક્ષાનો સમય સવારે ૧૦.૦૦ કલાકથી ૧.૧૫ કલાક, એચ.એસ.સી. સામાન્ય પ્રવાહની પરીક્ષાઓનો સમય સવારે ૧૦.૩૦ કલાકથી ૬.૧૫ કલાક અને એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો સમય બપોરે ૩.૦૦ કલાકથી ૬.૩૦ કલાક સુધીનો છે.
Recent Comments