ધો.૧૨ સાયન્સ રિપીટર્સ વિદ્યાર્થીઓનું માત્ર ૧૫ ટકા પરિણામ, ૪૬૪૯ વિદ્યાર્થીઓ જ પાસ થયા
ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ ૧૨ સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દીધુ છે. જુલાઈ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ ૧૨ સાયન્સના ૩૨ હજારથી વધુ રિપીટર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામ પ્રમાણે માત્ર ૧૫.૩૨ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. સમગ્ર રાજ્યમાં ૩૦૩૪૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં માત્ર ૪૬૪૯ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગ્રુપ-એમાં વિદ્યાર્થીઓનું પરિણામ ૧૪.૫૩ ટકા અને વિદ્યાર્થિનીઓનું પરિણામ ૨૦.૮૪ ટકા આવ્યું છે. તો ગ્રુપ-બીમાં વિદ્યાર્થીઓનું પરિણામ ૧૨.૦૫ ટકા અને વિદ્યાર્થિનીઓનું પરિણામ ૧૭.૮૯ ટકા આવ્યું છે. જ્યારે એ-બી ગ્રુપનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે.
વિદ્યાર્થીઓ તેમનું પરિણામ સીટ નંબર એન્ટર કરીને મેળવી શકશે. પરિણામ બાદ સ્કૂલોને માર્કશીટ મોકલવામાં આવશે. જે અંગેની જાણ આગામી સમયમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ધોરણ ૧૨ સાયન્સની કુલ ૩૨ હજાર ૭૦૩ રીપિટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
મહત્વનું છે કે આ પહેલા ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે પરીક્ષા સ્થગિત થવાને કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.
Recent Comments