ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, જાણો કેટલા વિદ્યાર્થીઓને મળ્યો A1 ગ્રેડ
ગત માર્ચ એપ્રિલ મહિનામાં લેવાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગઈકાલે જાહેર કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યની તુલનાએ કચ્છ જિલ્લાનું પરિણામ થોડું ઉપર રહ્યું હતું. 74.48 ટકા પરિણામ સાથે જિલ્લામાં બે વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે જ્યારે કે 40 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન યોજાયેલ હતી. સમગ્ર રાજ્યમાં 140 સેન્ટર ખાતે નોંધાયેલ 1,07,663 વિદ્યાર્થીઓ પૈકી 1,06,347 વિદ્યાર્થીઓએ હાજર રહી પોતાનું ભવિષ્ય ઘડવા આ મહત્વની પરીક્ષા આપી હતી. તો નિયમિત 95,715 વિદ્યાર્થીઓમાંથી 68,681 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. જે મુજબ સમગ્ર રાજ્યનું પરિણામ 72.02 ટકા રહ્યું હતું. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કુલ નોંધાયેલ 1216 વિદ્યાર્થીઓમાંથી 1211 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તો આ 1211 વિદ્યાર્થીઓ પૈકી 902 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા જે મુજબ જિલ્લાનું પરિણામ 74.48 ટકા થયું હતું, જે રાજ્યના સરેરાશ ટકાવારી કરતા થોડું ઉપર છે. તો કચ્છના આ 902 ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પૈકી ફક્ત બે જ વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યું હતું, જ્યારે કે A2 ગ્રેડ મેળવનારા 40 વિદ્યાર્થીઓ હતા. તે ઉપરાંત 125 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ હાસલ કર્યો હતો, 207 વિદ્યાર્થીઓએ B2, 235 વિદ્યાર્થીઓ C1માં, C2માં 236 વિદ્યાર્થીઓ તો D ગ્રેડ મેળવનારા 57 વિદ્યાર્થીઓ છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કચ્છના એક પણ વિદ્યાર્થીને A1 ગ્રેડ મળ્યું ન હતું જ્યારે કે આ વર્ષે બે વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે.
Recent Comments