ગુજરાત

નડિયાદમાં ધોધમાર વરસાદ, અંડરબ્રીજમાં પાણી ભરાતા એમ્બ્યુલન્સ ફસાતા રેસ્ક્યુ કરાઇ

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. ગઇકાલે દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ખેડા જિલ્લાના નડિયાદમાં મોડી રાત્રે ભારે પવન તથા ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. પહેલાં જ વરસાદમાં પ્રિમોન્સુન કામગીરીની જાણે એમ્બયુલન્સે પોલ ખોલી નાંખી.

નડિયાદના શ્રેયસ અંડર બ્રીજમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જેમાં એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. એક એમ્બ્યુલન્સ કઠલાલ દર્દીને મુકી કરમસદ દર્દીને લેવા જઈ રહી હતી. ત્યારે નડિયાદના શ્રેયસ અંડર બ્રિજમાં ગરનાળાના પાણીમા એમ્બ્યુલન્સ ફસાઈ હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક નડિયાદ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી એમ્બ્યુલન્સને બહાર કાઢવા રેસ્ક્યુ હાથ ધરવામા આવ્યુ હતુ.

લગભગ ૩૦ મિનિટની ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ વરસાદી પાણીમાંથી ફસાયેલ એમ્બ્યુલન્સને બહાર કાઢી હતી. ઘટનામા એમ્બ્યુલન્સમાં સવાર બંન્ને વ્યકિતનો આબાદ બચાવ થયો હતો.

ગુજરાતના ૮૨ તાલકુકામાં છેલ્લાં ૨૪ કલાકમાં વરસાદ ખાબકયો છે. ખેડામાં સૌથી વધુ ૪ ઈંચ વરસાદ ખાબક્યો છે. દેડિયાપાડા,આણંદ,માતરમાં સાડા ૩ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ઉમરપાડા,માંગરોળ,નવસારીમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. સાણંદ,મહુવા,નડિયાદ,વસોમાં ૨ ઈંચ વરસાદ પડ્યો. તદઉપરાંત રાજ્યના ૧૩ તાલુકામાં ૧થી ૨ ઈંચ વરસાદ પડ્યો છે.

Related Posts