ગુજરાત

નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાત સાથે ભાજપનું ડેમેજ કંટ્રોલ, 3 એપ્રિલે સિદસરમાં CM- પ્રદેશ પ્રમુખ હાજર રહેશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાવાની છે. આ વખતે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળશે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાત ચાલી રહી છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટીદારોને આકર્ષવા માટે કામ ચાલુ કરી દેવામાં આવ્યુ છે. નરેશ પટેલ લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે અને જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો વિધાનસભાની 20થી 25 બેઠક પર અસર પડી શકે છે.

બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે કડવા પાટીદારોને આકર્ષવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 3 એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ 3 એપ્રિલે સિદસરમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. 3 એપ્રિલે સિદસરમાં રજત તુલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. મહત્વપૂર્ણ છે કે સિદસરમાં ઉમિયા માતાનું મોટુ મંદિર છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહે તેવી શક્યતા છે.

નરેશ પટેલે પ્રશાંત કિશોર- અશોક ગહેલોત સાથે મીટિંગ કરી

નરેશ પટેલે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સાથે જયપુરમાં બેઠક કરી હોવાની વાત મળી છે. નરેશ પટેલ દિલ્હીમાં છે અને તે સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી શકે છે. એપ્રિલ મહિનામાં નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી શકે છે.

Related Posts