નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયા બાદ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયાની નિયુક્તિ કરવામાં આવી હોય ત્યારે, નવનિયુક્ત કોંગ્રસ પ્રમુખનો પદગ્રહણ સમારોહ આજે રવાપર ઘુનડા રોડ ખાતેના પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. જે પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, લલીતભાઈ વસોયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયા બાદ શક્તિસિંહ ગોહિલે કાર્યકરોને સંબોધન કર્યું હતું. જેમાં ભાજપ પર પ્રહારો કર્યા હતા. તો મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે વિશાળ સંખ્યામાં પ્રેમ અને લાગણી સાથે જનસમર્થન મળ્યું તે પ્રસંશનીય છે.
કોંગ્રેસ કાર્યકરો અડીખમ અને મજબૂતીથી પક્ષની વિચારધારા સાથે છે. ભાજપની કામ કરવાની પદ્ધતિથી લોકોમાં ખુબ નારાજગી છે. ભાજપના કામના નામે અને કાર્યકરોના જાેર પર મતો મળતા નથી તેથી અન્ય પક્ષના નેતાઓ તોડવાનું કાર્ય કરે છે. ડર અને લાલચના જાેરે નેતાઓને તોડવામાં આવે છે. તો મોરબીમાં તાજેતરમાં નેતાઓએ રાજીનામાં આપી પક્ષ પલટો કરતા તે સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, પરિવર્તન સંસારનો નિયમ છે.
તેઓ હાલ પ્રદેશ પ્રમુખ છે, પરંતુ આજીવન તો રહેવાના નથી. તો પક્ષ પલટો કરનાર નેતાઓ પર ઈશારામાં કટાક્ષ કર્યો હતો કે, કેટલાક નેતાઓને ખુબ મળ્યું હોય ક્યારેક તેમની કેટલીક મજબૂરી હોય છે તેમજ ભાજપ લાલચ આપી તેમજ કાવા દાવા કરતા તેઓને જવું પડે છે. તો કોંગ્રેસમાં હોય તે નેતા હીરો હોય છે જે ભાજપમાં જઈને ઝીરો થઇ જાય છે તેમ જણાવ્યું હતું. એવા કેટલાય દાખલા જાેવા મળ્યા છે નેતાઓને વાપરીને મૂકી દેવા તે ભાજપનું ચરિત્ર છે. પોતાના પક્ષના નેતામાં શું અવગુણ છે કે બહારથી નેતાઓ લાવવા પડે છે
તેનો જવાબ ભાજપે આપવો જાેઈએ. તો લોકસભા ચૂંટણી બાબતે જણાવ્યું હતું કે, કોંગ્રેસે ગુજરાતમાં પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે અને સમયાન્તરે ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે. ભાજપ વિરુદ્ધ ૬૫થી ૬૭ ટકા મતો પડે છે. સંવિધાન બચાવવા, મતો વહેંચાય નહિ તેવા હેતુથી ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે, તેના નેતાઓને પણ તોડવા અને પરેશાન કરવા સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. મોટાભાગના રાજ્યમાં ગઠબંધનમાં સીટ વહેંચણીની કામગીરી થઇ ગઈ છે અને વહેલી તકે ઉમેદવારો જાહેર કરાશે તેમ અંતમાં જણાવ્યું હતું.
Recent Comments