શરીરના અંગોથી રચેલ અંગ્રેજી મૂળાક્ષરો દ્વારા અપાયો યોગ જાગૃતિનો સંદેશ કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ અને માતંગી યોગ ક્લાસ દ્વારા યોગ જનજાગૃતિ પ્રચાર કાર્યક્રમ નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર થાય તે માટે દેશભરમાં અનેકવિધ પ્રચાર કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ત્યારે કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ અને માતંગી યોગ ક્લાસ દ્વારા ભાવનગરના સરદારનગર ખાતે યોગ જનજાગૃતિ વિશેષ પ્રચાર કાર્યક્રમ યોજાયો. આપણી કૃષિ સંસ્કૃતિની મહામૂલી ભેટ એવા યોગને હવે જ્યારે વૈશ્વિક સ્વીકૃતિ પ્રદાન થઈ છે અને વિશ્વભરના લોકો યોગને અપનાવતા થયા છે ત્યારે આપણા દેશના પ્રત્યેક લોકો તેના દૈનિક જીવનમાં નિયમિત રીતે યોગ કરતા થાય અને યોગ અંગેની જાગૃતિ ફેલાય તેવા આશય સાથે આ વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમ કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત માતંગી યોગ ક્લાસના યોગ અભ્યાસુઓએ યોગ પ્રશિક્ષક રાજેશકુમાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગ આસનો અને સૂર્ય નમસ્કારની વિભિન્ન મુદ્રાઓ કરવાની સાથે શરીરના ઉપયોગથી અંગ્રેજી મૂળાક્ષરો રચી તેના દ્વારા યોગ જાગૃતિનો સંદેશ અનોખા અંદાજમાં રજૂ કર્યો હતો. જે અંગે જાણકારી આપતા યોગ પ્રશિક્ષક રાજેશકુમાર ભટ્ટે જણાવ્યું હતું કે નિયમિત યોગ કરવાથી તન અને મનની તંદુરસ્તીને પામી શકાય છે. શરીરને નિયમિત વ્યાયામ પણ મળે છે. નિયમિત યોગ અભ્યાસ કરી રહેલા યોગ અભ્યાસુઓએ શરીરને એ પ્રકારે કેળવેલું છે કે આ જ શરીરના ઉપયોગ દ્વારા જુદા જુદા અંગ્રેજી મૂળાક્ષરો પણ બનાવી શકે છે અને જેના દ્વારા આજરોજ તેમણે યોગ અંગેનો જાગૃતતા સંદેશ સમાજને પાઠ્વ્યો છે અને સૌને નિયમિત યોગ કરવા માટેની અપીલ કરી છે.


















Recent Comments