નવસારીમાં ભારે વરસાદથી નીચાણવાળો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો
નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા શહેરીજનોને એક અપીલ કરતો મેસેજ વહેતો કર્યો હતો, જેમાં નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી હતી તેમજ સમગ્ર પાલિકા અને વહીવટી તંત્રએ મહેનત કરીને લોકોને સ્થળાંતરિત કર્યા હતા. આજે સવારે શહેરની વાત કરવામાં આવે તો નીચાણવાળા મોટા ભાગનાં મકાનો, દુકાનો અને અન્ય મિલકતો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. નવસારીમાં અંબિકા, પૂર્ણા કાવેરી ત્રણેય નદીમાં ઘોડાપૂર આવ્યાં છે, જેથી શહેરમાં પાણી ઘૂસી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.
ચીખલી નજીક કાવેરી નદીના પાણી ફરી વળતાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે ૪૮ બંધ કરવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાં પૂરથી ૪૦ હજાર લોકો અસરગ્રસ્ત થયા છે. ૧૪,૦૦૦ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમે જિલ્લામાં કુલ ૨૧ લોકોનું રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો છે. હાલમાં જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. નવસારીના રેલવે સ્ટેશન પાસે આવેલા પ્રકાશ ટોકીઝ ગરનાળાના જળસ્તરમાં વધારો થયો હતો, જેથી મુંબઈ-અમદાવાદ ટ્રેન વ્યવહારને પણ સીધી અસર થવાની સંભાવના જાેવામાં આવી રહી છે. સુરત સચિન મરોલીને જાેડતો સ્ટેટ હાઇવે પણ બંધ થયો છે. શહેરની સિટી બસ સેવા બંધ કરવામાં આવી છે. છેલ્લા ૩ દિવસથી શાળામાં રજા જાહેર કરવામાં આવી છે.
પૂર્ણા નદીની જળસપાટીની વાત કરવામાં આવે તો ૨૩ ફૂટ ભયજનક સપાટી વટાવી હાલમાં નદી ૨૭ ફૂટે વહી રહી છે તેમજ અંબિકા નદીની વાત કરવામાં આવે તો એની ભયજનક સપાટી ૨૮ ફૂટ છે તેને વટાવી હાલ ૩૧.૮૧ ફૂટના ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. કાવેરી નદીની ભયજનક સપાટી ૧૯ ફૂટ છે, જે હાલ ૨૮ ફૂટની ભયજનક સપાટીએ વહી રહી છે. જિલ્લામાં તાલુકાકક્ષાએ વરસાદની સ્થિતિ પર નજર નાખીએ તો ખેરગામમાં ૨૭ એમએમ, ગણદેવીમાં ૬૪ એમએમ,ચીખલીમાં ૪૦ એમએમ, જલાલપુરમાં ૧૩ એમએમ, નવસારીમાં ૧૬ એમએમ વરસાદ નોંધાયો હતો.
નવસારી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત મેઘમહેર થઈ રહી છે, જેથી નદી-નાળાં છલકાયાં છે. ત્યારે આ મેઘમહેર હવે આફત સાબિત થઈ રહી છે. છેલ્લા ચાર દિવસથી નવસારી શહેરમાં પૂરને લઈને સ્થિતિ વિકટ બની છે. આજનો દિવસ શહેર માટે મુશ્કેલીનો સાબિત થશે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. નવસારીથી પસાર થતી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીના જળસ્તર ભયજનક સપાટી વટાવતાં શહેરમાં પાણી ઘૂસી આવ્યું હતું. નવસારીના બંદર રોડથી લઈને પૂર્ણા નદી સુધી જેટલો ઉત્તર દિશા તરફનો નીચાણવાળો વિસ્તાર તમામ પાણીમાં ગરકાવ થયો છે.
Recent Comments