નવસારી પાસે ટ્રકે ઈકો કારને ટક્કર મારતાં બેનાં મોત , અન્ય પરિવારના સભ્યો ઘાયલ
નવસારીથી કામરેજ જતા મધ્યપ્રદેશના એક પરિવારને ખડસુપા પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં પરિવારના બેના મોત નીપજ્યા હતા જ્યારે ૫ સભ્યોને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોઇ કારણસર ઇકો કાર ખડસુપા પાસે બંધ પડી ગઇ હતી અને એ દરમિયાન એક ટ્રકે કારને પાછળથી ટક્કર મારતા કાર હવામાં ફંગોળાઈ હતી. જેના કારણે રાત્રીની નિરવ શાંતિનું વાતાવરણ એકાએક ચિચયાળીઓથી ગુંજી ઊઠ્યું હતું. સુરતામાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્તે જણાવ્યું હતું કે બધા લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડ્યા હતા. અકસ્માતના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, મધ્યપ્રદેશનો પરિવાર છેલ્લા એક મહિનાથી નવસારીમાં મજૂરી કામ કરતો હતો. અને રાત્રે કામરેજ જઇ રહ્યો હતો. જે દરમિયાન રાત્રીના બે વાગ્યાની આસપાસ ઇકો કાર ખડસુપા પાસે પહોંચી ત્યારે ટેક્નિકલ ખામી સર્જાતા કાર બંધ પડી હતી. પરિવારના સભ્યો ભરનિંદ્રામાં હતા એ સમયે બેફામ આવતા ટ્રકે કારને ટક્કર મારી હતી. જેમાં પરિવારના બે સભ્યોના મોત થયા હતા. ઇજાગ્રસ્ત વિનુ ધુલિયા નીનામાએ સુરત સિવિલમાં સારવાર દરમિયાન જણાવ્યું હતું કે, એક મહિનાથી નવસારીમાં મજૂરી કામ કરી રહ્યા હતા. ઇજાગ્રસ્ત તમામ પરિવારના સભ્યો છે. કારમા ૧૦ મોટા અને ૨ બાળકો હતા. નવસારથી રાત્રે ઇકો કારમાં બેસી કામરેજ આવવા નીકળ્યા હતા. ખડસુપા પાસે બે વાર કાર બંધ પડી ગઈ હતી. ડ્રાઇવર નીચે ઉતરી કોઈ ને ફોન કરી રહ્યો હતો. તમામ સભ્યો ઉંઘતા હતા. ત્યારે અચાનક જાેરદાર અવાજ આવ્યોને કાર હવામાં ફંગોળાઈ હોય એવો અહેસાસ થયો હતો. તમામની ચિચાયાળી પડી ગઈ હતી. બધા જ લોહી લુહાણ હાલતમાં રોડ ઉપર પડેલા હતા. એમ્બ્યુલન્સ આવીને તમામને સારવાર માટે નજીકના દવાખાને લઈ ગઈ હતી. મારા કાકાની દીકરી સીજી અને સંબંધી પ્રકાશનું આ દુર્ઘટનામાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
Recent Comments