અમરેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના તમામ બીએલઓશ્રીની તાલીમ યોજાઈ : વેબ ટેલિકાસ્ટના માધ્યમથી અન્ય જિલ્લાના તમામ તાલુકાઓ જોડાયા
આગામી નવેમ્બર માસના ચાર દિવસોમાં યોજાનાર ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમના અનુસંધાને આજે કલેક્ટર કચેરી ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડી.વી. વિઠલાણીની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ બીએલઓશ્રીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય ચૂંટણી પંચ દ્વારા શરુ કરવામાં આવેલી નવી પહેલ અંગે વાત કરતા શ્રી વિઠલાણીએ જણાવ્યું હતું કે મતદારોને સ્પીડ પોસ્ટ મારફતે પોતાના ઘરે ચૂંટણી કાર્ડ મળે તે માટે સૌ બીએલઓશ્રીએ મતદારોના ફોર્મમાં સરનામાં જેવી વિગતો ચોકસાઈપૂર્વક ભરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત આ વખતે જિલ્લામાં નવા યુવા મતદારો, મહિલા મતદારો અને દિવ્યાંગ મતદારોની વધુમાં વધુ નોંધણી થાય તે માટે કાળજી લેવા જણાવ્યું હતું. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા લક્ષ્યાંક સિદ્ધ થાય એ દિશામાં કાર્ય કરવા સૂચના આપી હતી.
શ્રી વિઠલાણીએ ઉપસ્થિત સૌ બીએલઓશ્રીને પોતાનું આઈકાર્ડ મેળવી લેવા તાકીદ કરી હતી. આ તકે અમરેલી જિલ્લાના તમામ તાલુકા મથકો પરથી વેબ ટેલિકાસ્ટના માધ્યમથી બહોળી સંખ્યામાં બીએલઓશ્રીઓ તેમજ ચૂંટણી શાખાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે નવેમ્બર માસની ખાસ ઝુંબેશના દિવસોએ સબંધીત બી.એલ.ઓ. જે તે વિસ્તારના મતદાન મથક ખાતે તા.૧૪/૧૧/૨૦૨૧ (રવિવાર), તા.૨૧/૧૧/૨૦૨૧ (રવિવાર), તા.૨૭/૧૧/૨૦૨૧ (શનિવાર) અને તા.૨૮/૧૧/૨૦૨૧ (રવિવાર) ના રોજ ઉપસ્થિત રહેશે. નાગરીક ઓનલાઈન માધ્યમથી www.nvsp.in અથવા Voter Helpline Application (Android-ios) પણ ફોર્મ નં.૬ ભરી શકે છે.


















Recent Comments