કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ ધીરે-ધીરે વધી રહ્યા છે. ૨૯મી ડિસેમ્બરે રાજ્યમાં કુલ ૧૯ ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા હતા, જેમાં અમદાવાદ શહેરમાં ૪ પુરુષ અને ૪ સ્ત્રી મળીને સૌથી વધુ ૮ ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. ત્યાર બાદ સુરત શહેરમાં, ૬ વડોદરા શહેરમાં ૩ અને આણંદમાં ૨ ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. અત્યારસુધીમાં ગુજરાતમાં કુલ ૯૭ ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જેમાંથી ૪૧ દર્દી સાજા થઈ ચૂક્યા છે. રાજ્યમાં ૩૦ ડિસેમ્બરના રોજ કોરોનાના ૫૭૩ નવા કેસ નોંધાયા છે અને બે લોકોના મોત થયા છે. જ્યારે ૧૦૨ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં ૮ લાખ ૩૨ હજાર ૩૫ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૧૦ હજાર ૧૧૮ પર પહોંચ્યો છે. તેમજ અત્યારસુધીમાં ૮ લાખ ૧૮ હજાર ૫૮૯ દર્દી ડિસ્ચાર્જ થયા છે.રાજ્યમાં ગુરુવારે કોરોનાના નવા ૫૭૩ કેસ નોંધાયા હતા તથા ૨ દર્દીનાં મોત નીપજ્યાં હતાં. આમ હવે દરરોજ ૫૦૦થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. ત્રીજી લહેરમાં પહેલી બન્ને લહેર કરતા વધુ તીવ્રતાથી કેસો વધી રહ્યાં છે. જેને પગલે રાજ્ય સરકારે પણ હોસ્પિટલ, બેડ, વેન્ટીલેટર અને ઓક્સિજનની તૈયારીઓ કરી લીધી છે. ૧ જાન્યુઆરી એટલે કે આવતીકાલથી સરકારી કચેરીઓમાં આવનાર મુલાકાતીઓ માટે કોવિડ-૧૯ની વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે. જ્યારે ૭ જાન્યુઆરી ૨૦૨૨થી રાજ્યના ૧૫થી ૧૮ વર્ષના ૩૦ લાખ બાળકોના વેક્સિનેશનનો પ્રારંભ થશે.
જે માટે તમામ સ્કૂલો અને અન્ય સંસ્થાઓમાં વેક્સિનેશનની મેગાડ્રાઇવ કરવામાં આવશે અને સ્કૂલે ન જતા બાળકો માટે ૮ અને ૯મી જાન્યુઆરી ૨૦૨૨ના રોજ અનુકુળ સમયે સેશન રાખી બાળકોને રસી આપવામાં આવશે. આ માટે કોવિન પોર્ટલમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી શરૂ થશે. અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં પોલીસ દ્વારા ૨૩૧૭ લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે.૫ દિવસમાં જાહેરનામાં ભંગના ૪૮૫ ગુના નોંધાયા છે. જ્યારે ૨૩૧૭ માસ્ક વિના ફરતા પકડાયેલા લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. રાત્રિ કરફ્યૂ ભંગના ૩૮૧ જેટલા ગુના નોંધાયા છે. આ પહેલાં રાજ્ય સરકારે ૨૫મી ડિસેમ્બરથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે ૧૧ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો ર્નિણય કર્યો હતો. જ્યારે રેસ્ટોરાંને રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નવી ગાઈડલાઈન્સ ૩૧મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.
Recent Comments