રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અંગેનો પ્રથમવાર સુગ્રથિત સ્વરૂપે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને કૃષિ અને પશુપાલન વિભાગનાં સહયોગમાં “નવી દિશા- નવું ફલક” અંગે સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો.
સિહોર નગરપાલિકા પ્રમુખશ્રી વિક્રમસિંહ નકુમ જણાવ્યું કે, શિક્ષણ, શ્રમ અને રોજગાર, પશુપાલન વગેરે વિભાગોના સંકલન સાથે વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર ઉમરે સાચી દિશા પકડી શકાય તેનું સાચું અને યોગ્ય માર્ગદર્શન આવાં સેમિનારોથી મળે છે. ભૂતકાળમાં આવાં સાચા માર્ગદર્શનને અભાવે વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની યોગ્ય કારકિર્દી પસંદ કરી શક્યાં નહોતાં. હવે આ વાત ભૂતકાળ બની રહેવાની છે.
તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતાં ત્યારે શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવની શ્રૃંખલાને કારણે શિક્ષણ માટેની ભૂખ સમાજમાં ઉભી થઇ છે.
કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી ઉદયભાઈ વ્યાસ દ્વારા રોજગાર કચેરીના માધ્યમથી કારકિર્દી નિર્માણ અને દુનિયામાં આવતી નવી વસ્તુઓના ઉમેરાં સાથે નવાં પોર્ટલની શરૂઆત કરવાં જણાવ્યું હતું.
આ ઉપરાંત સેમિનારના માધ્યમથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવાય છે. આ આત્મવિશ્વાસ અને સાચી દિશાની મહેનત તેમને સફળતા તરફ દોરી જશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
શાળાના આચાર્યશ્રી શિવભદ્રસિંહ ગોહિલે સ્વાગત પ્રવચન સાથે આશીર્વચન આપતાં કહ્યું કે, શિક્ષણ સાથે ચારિત્ર્ય નિર્માણ અને સંસ્કાર પણ કેળવવાં જરૂરી છે. તેને દ્રઢ કરવામાં આવે તો જીવનમાં ચોક્કસ પ્રગતિ કરી શકાય છે.
આ અવસરે મુખ્યમંત્રીશ્રી તથા શિક્ષણમંત્રીશ્રીનો વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતો વિડીયો સંદેશો દર્શાવવામાં આવ્યો હતો. તજજ્ઞ વક્તાઓએ વિવિધ કોર્સ અને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
વિદ્યાર્થીઓ દ્વારા આ અવસરે તેમને મૂંઝવતાં પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં તેના જવાબ તજજ્ઞ વક્તા દ્વારા આપવામાં આવ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલનશ્રી ડૉ. અલ્પેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવારે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ સેમિનારોમાં રાજ્યના ૨૪૯ તાલુકાઓમાં કારકિર્દી સેમિનારોમાં તજજ્ઞ વક્તાઓ માર્ગદર્શન આપવાનાં છે. કાર્યક્રમના નોડેલ અધિકારીશ્રી સેંતા સાહેબ દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી. આ સેમિનારમાં તાલુકા પ્રમુખશ્રી તૃપ્તિબેન જસાણી, આરોગ્ય તંત્રના શ્રી ડો. રૂપલબેન વૈષ્ણવ, વિજયભાઇ કામડીયા, તાલુકા હેલ્થ સુપરવાઇઝરશ્રી અનિલભાઇ પંડિત, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, રોજગાર વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, ઇજનેરી વિભાગના અધિકારીઓ, પ્રાધ્યાપકો, આચાર્યશ્રીઓ, શિક્ષકો, સિહોર તાલુકાની વિવિધ શાળા, કોલેજોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં
Recent Comments